ફરીવાર ’ચાર બંગડીવાળા’ ગીત પરથી કિંજલ દવેનો હક્ક છીનવાયો

અમદાવાદ, લોકગાયિકા કિંજલ દવેનું ચાર ચાર બંગડી વાળી ગાડી લઈ દઉ વાળું ગીત જ્યારથી હિટ થયું છે ત્યારથી કૉપીરાઇટ કેસમાં સપડાયું છે. સમગ્ર મામલો કોર્ટ ચડયો હતો. જેમાં ચાર બંગડી ગીત ગાવા પર ફરી કિંજલે દવેને સ્ટે મળ્યો છે.

અગાઉ સિવિલ કોર્ટે કિંજલ દવેને રાહત આપતા ગીત ગાવાની મંજૂરી મળી હતી.ત્યારે અરજદારે સિવિલ કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકારતા હાઇકોર્ટે અરજદારની અરજી માન્ય રાખી કિંજલ દવેને ચાર બંગડી ગીત ગાવા પર સ્ટે મુકયો છે.

મળતી માહિતી મુજબ ગુજરાત હાઇકોર્ટે કિંજલ દવેને ’ચાર ચાર બંગડી વાળી ગાડી’ ગીત ગાવા પર સ્ટે લંબાવ્યો છે. કિંજલ દવેને આ ગીત ગાતા રોકવા માટે રેડ રીબોન એન્ટરટેઈનમેન્ટ કંપનીએ અમદાવાદ સિટી સિવિલ કોર્ટમાંની કોમશયલ કોર્ટમાં કોપીરાઇટનો કેસ ફાઇલ કર્યો હતો, પરંતુ અરજદાર ગીતના કોપીરાઈટ હોવાનુ પુરવાર નહોતા કરી શક્યા નહતા અને કિંજલ દવે એ કેસ જીતી ગઈ હતી. એ બાદ સિવિલ કોર્ટના ચુકાદાને રેડ રિબન એન્ટરટેઈનમેન્ટ કંપનીએ હાઇકોર્ટમાં પડકાર્યો હતો અને ત્યાં અરજી કરાતા કિંજલ દવે પર ચાર બંગડી ગીત ગાવા પર ૬ માર્ચ સુધી સ્ટે લંબાવવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ૨૦ ડિસેમ્બર ૨૦૧૬થી આરડીસી ગુજરાતીની યુટ્યુબ ચેનલ પર આ ગીત અપલોડ કરવામાં આવ્યું હતું જે ખૂબ જ લોકપ્રિય થયું હતું. જાન્યુઆરી ૨૦૧૭માં રેડ રિબિન એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે એવો દાવો કર્યો હતો કે, ઓસ્ટ્રેલિયાના કાતક પટેલે આ ગીતની સંકલ્પના નવેમ્બર ૨૦૧૫માં કરી હતી. ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ તેમણે કાઠિયાવાડી કિંગ્સની યુટ્યુબ ચેનલ પર વીડિયો અપલોડ કર્યો હતો.