વોશિગ્ટન, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે જો તેઓ ફરીથી રાષ્ટ્રપતિ બનશે તો ઘણા લોકો દેશ છોડી દેશે. તેમણે કહ્યું કે જો તેઓ સત્તામાં આવશે તો સૌથી પહેલા ઈમિગ્રેશન પર કડક કાર્યવાહી કરશે. ૨૦૨૪માં યોજાનારી પ્રેસિડેન્શિયલ પ્રાઇમરીમાં આગળ ચાલી રહેલા ટ્રમ્પે કહ્યું કે જો તેઓ જીતશે તો મોટા ફેરફારો થશે. ઘણા લોકો દેશ છોડીને ભાગી જવાના છે. કારણ કે તે લોકો સમજી જશે કે ફરી એકવાર જેહાદી દેશો પર પ્રતિબંધ લગાવવામાં આવશે અને તેમના પર ટ્રાવેલ પ્રતિબંધ લાદવામાં આવશે.
ટ્રમ્પે કહ્યું કે, રાષ્ટ્રપતિ બન્યા બાદ હું ગેરકાયદેસર રીતે આવતા લોકોની કડક વૈચારિક તપાસ કરીશ. જો તમે અમેરિકાને નફરત કરો છો. જો તમે ઇઝરાયલનો નાશ કરવા માંગો છો, જો તમારી સહાનુભૂતિ જેહાદીઓ સાથે છે. બે, તમે અમારા દેશમાં પ્રવેશી શકશો નહીં. અમને તમારી જરૂર નથી. ૨૦૨૦માં ડોનાલ્ડ ટ્રમ્પે એક રેલી દરમિયાન કહ્યું હતું કે જો બિડેન રાષ્ટ્રપતિની ચૂંટણી જીતશે તો તેઓ દેશ છોડી દેશે. તેમણે કહ્યું હતું કે, આ સમયે મારા પર અત્યાર સુધીના ઈતિહાસના સૌથી ખરાબ ઉમેદવાર સામે ચૂંટણી લડવાનું દબાણ છે. હું હારી જઈશ એ અકલ્પ્ય છે. જો આમ થશે તો હું દેશ છોડી દઈશ. ટ્રમ્પે તેમના કાર્યકાળ દરમિયાન કહ્યું હતું કે અમારા શાસન દરમિયાન અમેરિકા મજબૂત, સમૃદ્ધ અને આત્મ વિશ્વાસથી ભરેલું હતું.
ડોનાલ્ડ ટ્રમ્પે વર્ષ ૨૦૧૭માં ટ્રાવેલ પ્રતિબંધ લગાવ્યો હતો. અમેરિકાએ લિબિયા, ઈરાન, સોમાલિયા, સીરિયા, યમન અને એ તમામ દેશોના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો જ્યાં મુસ્લિમ વસ્તી વધારે છે. આ સિવાય ઉત્તર કોરિયા અને વેનેઝુએલા પર પણ પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. આ પછી, ૨૦૨૦ માં તેને મ્યાનમાર, કિગસ્તાન, નાઈજીરિયા, તાંઝાનિયા, સુદાન સુધી વિસ્તારવામાં આવ્યું. પરંતુ જો બિડેને આ પ્રવાસ પ્રતિબંધ ખતમ કર્યો.