
વોશિગ્ટન,
કોરોનાને કારણે ચીનમાં સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે. ફાર્માસ્યુટિકલ કંપનીઓની ફેક્ટરીઓની બહાર લોકોની લાઇન લાગી છે. જુહાઈ શહેરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે, જેમાં તાવ અને દુખાવા જેવી નાની-મોટી દવાઓ ખરીદવા માટે લોકો લાંબી લાઈનોમાં ઊભા જોવા મળી રહ્યા છે. અહેવાલો અનુસાર, બ્રુફેન નામની દવા ચીનના કોઈ મેડિકલ સ્ટોરમાંથી મળતી નથી. એને કારણે હવે લોકો આ દવા લેવા માટે ફેક્ટરી સુધી પહોંચવા લાગ્યા છે.
જ્યારે ભારત કોરોનાની સારવારમાં ઉપયોગમાં લેવાતી પેરાસિટામોલ, એમોક્સિસિલિન અને રેબેપેરાઝોલ જેવી દવાઓની કિંમત ઘટાડવામાં આવશે. હવે માત્ર કોરોનાનો ખતરો ચીન પૂરતો મર્યાદિત નથી. તેના બદલે, વર્લ્ડોમીટર મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં, સમગ્ર વિશ્ર્વમાં કોરોનાના ૫ લાખ ૮૬ હજાર ૨૯૬ નવા કેસ નોંધાયા છે.
માત્ર ચીનમાં જ નહીં, સમગ્ર વિશ્ર્વમાં કોરોનાના કેસ ફરીથી ઝડપથી વધવા લાગ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં વિશ્ર્વભરમાં કોરોનાના ૫.૩૭ લાખ કેસ નોંધાયા છે, જ્યારે ૧૩૯૬ લોકોએ જીવ ગુમાવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં જાપાનમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. એટલું જ નહીં, અમેરિકામાં પણ ૫૦ હજારથી વધુ કેસ નોંધાયા છે. બીજી તરફ ચીનમાં કોરોનાને કારણે હાહાકાર મચ્યો છે. અહીં માત્ર કેસો જ ઝડપથી વધી રહ્યા છે એટલું જ નહીં, પરંતુ કારોનાને કારણે લોકો પોતાનો જીવ પણ ગુમાવી રહ્યા છે.
કોરોનાના આંકડાઓ પર નજર રાખતી સંસ્થા અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં વિશ્ર્વભરમાં ૫.૩૭ લાખ કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાને કારણે ૧૩૯૬ લોકોનાં મોત થયાં છે. વિશ્ર્વભરમાં અત્યાર સુધીમાં કોરોનાના ૬૫,૯૪,૯૭,૬૯૮ કેસ મળ્યા છે, જ્યારે ૨૦ કરોડ એક્ટિવ કેસ છે. ચીનમાં કોરોનાને કારણે પરિસ્થિતિ બગડી રહી છે. દર્દીઓની સંખ્યા એટલી વધી ગઈ છે કે હોસ્પિટલોમાં બેડ પણ ઓછા પડી રહ્યા છે.આ દરમિયાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન કહે છે, કોરોનાના વૈશ્ર્વિક અંતની જાહેરાત કરવી ખૂબ જ ઉતાવળભર્યું હશે, એટલે કે કોરોના હજુ પણ ગ્લોબલ ઈમર્જન્સી બની રહેશે. ચીનમાં લોકડાઉન હટાવ્યા બાદ સંક્રમણના વધતા જતા કેસોને યાનમાં રાખીને ડબ્લ્યુએચઓએ આ વાત કહી છે.