ફરી વરસાદી માહોલ જામ્યો:દિયોદર સહીત કાકરેજ વિસ્તારમાં મોડી રાત્રે પવનના સુસવાટા અને ગાજવીજ સાથે વરસાદ

બનાસકાંઠા, દિયોદર સહીત કાંકરેજ વિસ્તારમાં મોડી રાત્રે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. જેથી કેટલાક નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા, દિયોદર પોલીસ સ્ટેશન નજીક અને બસ સ્ટેશન રોડ નજીક પાણી ભરાયા હતા.

ગુજરાત સહીત બનાસકાંઠા જિલ્લા હવામાન વિભાગ દ્વારા વરસાદની અગાહી આપવામાં આવી છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો, જે બાદ જિલ્લાના અનેક વિસ્તારમાં પવનના સુસવાટા સાથે વરસાદી ઝાપટું પડ્યું છે, ત્યારે ગત રાત્રી દરમિયાન દિયોદર-કાંકરેજ સહીતના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. જેના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. દિયોદર પોલીસ સ્ટેશન નજીક અને બસ સ્ટેશન રોડ નજીક વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો તેમજ સ્થાનિક લોકો અટવાયા હતા.

બે દિવસ આગાઉ પાલનપુરમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ થયો હતો. જેથી પાલનપુરના હનુમાન ટેકરી, બિહારી બાગ, મલાણાના પાટીયા સહિત આબુ હાઇવે પર પાણી ભરાતા ટ્રાફિક જામના દ્દશ્યો સામે આવ્યાં હતા, હાઇવે પર પાણી ભરાતા વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી ત્યાંથી પસાર થવા મજબુર બન્યા છે. પાલનપુર-આબુરોડ નેશનલ હાઇવે પર વરસાદી પાણી ભરાવાને મામલે પાલનપુર સીટી મામલતદાર અને પશ્ર્ચિમ પોલીસનો સ્ટાફ પાણીના નિકાલની વ્યવસ્થામાં લાગ્યો છે. પાણી ભરાવાના કારણે નેશનલ હાઇવે પર પાંચ કિલોમીટર સુધી જામ થયેલા ટ્રાફિકને પોલીસે દૂર કર્યો હતો. પાલનપુર પાલિકા દ્વારા મશીન મૂકી અને પાણી નિકાલની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે.