ફરી વંદે ભારત પર પથ્થરમારો, આ રુટ પર દોડતી હાઈસ્પીડ ટ્રેનને નિશાન બનાવાઈ, તપાસ શરૂ

બેંગ્લુરુ,

કર્ણાટકના બેંગ્લુરુમાં મૈસૂર-ચેન્નઈ વચ્ચે દોડતી હાઈસ્પીડ વંદે ભારત ટ્રેન પર શનિવારે પથ્થરામારાની ઘટના સામે આવી છે. આ પથ્થરમારામાં ટ્રેનની બારીઓના કાંચ તૂટી ગયા હતા અને તેને નુક્સાન થયું હતું. આ ઘટના કૃષ્ણરાજપુર અને બેંગ્લુરુ કેન્ટોનમેન્ટ રેલવે સ્ટેશન વચ્ચે બની હતી. રેલવે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

માહિતી અનુસાર કોઈ યાત્રીને નુક્સાન થયું નથી. રેલવે પોલીસે ટ્રેન પર પથ્થરમારો કરવા અંગે કેસ નોંધી તપાસ હાથ ધરી હતી. હાલ કોઈની ધરપકડ કરાઈ નથી. ગત વર્ષે પીએમ મોદીએ ૧૧ નવેમ્બરે સેમી હાઈટેક ટ્રેન મૈસૂર-ચેન્નઈ વંદે ભારતને લીલીઝંડી બતાવી હતી.

દક્ષિણ પશ્ર્ચિમ રેલવે બેંગ્લુરુ ડિવિઝને જણાવ્યું કે ચાલુ વર્ષે જાન્યુઆરીમાં રેલવેમાં સુરક્ષાદળોએ પથ્થરમારાના કુલ ૨૧ કેસ નોંયા હતા. આ પ્રકારના ૧૩ કેસ ફેબ્રુઆરીમાં ડિવિઝનમાં નોંધાયા હતા. બે અઠવાડિયા પહેલા સિકંદરાબાદ-વિશાખાપટ્ટનમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો કરાયો હતો જ્યારે તે તેલંગાણાના મહેબૂબાબાદ જિલ્લામાંથી પસાર થઇ રહી હતી. અગાઉ પણ ચાલુ વર્ષે જાન્યુઆરીમાં જ પ.બંગાળના માલદામાં હાવડા જતી વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો કરાયો હતો. આ ઘટના ૨ જાન્યુઆરીએ બની હતી અને તેના પછી ૩ જાન્યુઆરીએ દાર્જિલિંગથી વંદે ભારત પર પથ્થરમારો કરાયાની માહિતી સામે આવી હતી.