ફરી નવી ઓલ-ટાઇમ હાઈ પર બજારો; સેન્સેક્સ ૭૨,૭૨૦.૯૬, નિફ્ટી ૨૧,૯૨૮.૨૫ની નવી ટોચે પહોંચ્યો

મુંબઇ, ભારતીય શેરબજારમાં સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે બમ્પર ખરીદી જોવા મળી હતી અને બજાર નવી ઓલ-ટાઇમ હાઈ પર પહોંચ્યું હતું. શુક્રવારે,બીએસઇ સેન્સેક્સ બેન્ચમાર્ક પ્રથમ વખત ૭૨,૭૨૦.૯૬ ના સ્તરે પહોંચ્યો હતો. નિફ્ટી એ પણ પહેલીવાર ૨૧૯૦૦ની સપાટી વટાવીને ૨૧,૯૨૮.૨૫ની સપાટીએ પહોંચી ગયો હતો. શુક્રવારના ટ્રેડિંગ સેશન દરમિયાન આઇટી અને પીએસયુ બેન્કિંગ સેક્ટરના શેર્સમાં સારી ખરીદી જોવા મળી હતી અને આ સેક્ટર્સ ટોપ ગેઇનર હતા.સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે, બીએસઈ ના ૩૦ શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ ૮૪૭.૨૭ પોઈન્ટ અથવા ૧.૧૮% ના વધારા સાથે ૭૨,૫૬૮.૪૫ ના સ્તર પર બંધ થયા છે. બીજી તરફ એનએસઇના ૫૦ શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી ૨૪૭.૩૫ પોઈન્ટ અથવા ૧.૧૪% ના વધારા સાથે ૨૧,૮૯૪.૫૫ ના સ્તર પર બંધ થયા છે. શુક્રવારે રૂપિયો ૧૧ પૈસા મજબૂત થયો હતો અને ડોલર સામે ૮૨.૯૨ પર બંધ થયો હતો.

ભારતીય શેરબજારમાં ટ્રેડિંગ અઠવાડિયાના છેલ્લા દિવસે એટલે કે શુક્રવારે બમ્પર ઉછાળો જોવા મળ્યો હતો. આઈટી, રિયાલિટી સહિતના મોટાભાગના સેક્ટરમાં ખરીદી થઈ હતી. બપોર સુધીમાં બીએસઇ સેન્સેક્સ ૯૨૦ પોઈન્ટ વધીને ૭૨,૭૨૦ની ઉપર પહોંચ્યો હતો. તે જ સમયે, નિફ્ટી ૫૦માં ૨૫૬ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો મુખ્ય ઈન્ડેક્સ ૨૧,૯૨૮ની આસપાસ પહોંચ્યો હતો. બીજી તરફ બેંક નિફ્ટી પણ ૩૭૩ પોઈન્ટના વધારા સાથે ૪૭,૮૧૧ની ઉપર ટ્રેડ કરી રહ્યો હતો આઈટી સેક્ટરના સૌથી મોટા સ્ટોક ઈન્ફોસિસના શાનદાર પરિણામોની અસર શેરના ભાવ પર જોવા મળી હતી અને આજે આ શેર લગભગ ૮ ટકાના ઉછાળા સાથે રૂ. ૧૬૧૨ પર પહોંચી ગયો હતો. આ સિવાય ટેક મહિન્દ્રા, વિપ્રો, ટીસીએસ, એચસીએલ ટેક નિફ્ટી ના ટોપ ગેનર્સમાં સામેલ છે.એનએનજીસીમાં પણ ૪.૬૫ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.

ભારતીય શેરબજાર આજે રેકોર્ડ ઊંચાઈ સાથે બંધ થયું હતું. આઈટી સેક્ટરમાંથી મળેલા સમર્થન બાદ નિફ્ટી એ રેકોર્ડ હાઈને પાર કર્યો છે. શુક્રવારે ટ્રેડિંગ દરમિયાન નિફ્ટી એ પહેલીવાર ૨૧૯૦૦ને પાર કરી હતી. આ સાથે જ સેન્સેક્સ પણ ૭૨,૭૨૦ના રેકોર્ડ સ્તરને સ્પર્શી ગયો છે. આજના ટ્રેડિંગ પછી નિફ્ટી ૨૬૦ પોઈન્ટ વધીને ૨૧,૯૦૮ પર બંધ થયો, સેન્સેક્સ ૮૪૭ પોઈન્ટ વધીને ૭૨,૫૬૮ પર બંધ થયો. તે જ સમયે, નિફ્ટી બેંક ૨૯૦ પોઈન્ટ વધીને ૪૭,૭૨૮ પર બંધ થયો છે.

કયા પરિબળોને કારણે બજાર વધી રહ્યું છે તે જોઇએ તો ડિસેમ્બર ક્વાર્ટરમાં આઇટી શેરોમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી છે. ટીસીએસ અને ઈંફોર્સીસે પણ ઉત્તમ પરિણામો રજૂ કર્યા છે. સવારના વેપારમાં, નિફ્ટી આઇટી ઇન્ડેક્સ ૫ ટકાથી વધુ ઉછળીને ૩૬,૪૮૨.૨૫ના નવા ૫૨ સપ્તાહના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો. આ સિવાય ડિસેમ્બર ક્વાર્ટરની કમાણી બાદ ઈંફોર્સીસ અને ટીસીએસના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. ઈંફોર્સીસે ૬,૧૦૬ કરોડનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો નોંધાવ્યો હતો ટીસીએસએ ડિસેમ્બરમાં પૂરા થયેલા ક્વાર્ટરમાં ૬૦,૫૮૩ કરોડની એકીકૃત આવક નોંધાવી છે.

નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ડિસેમ્બર ક્વાર્ટરની મજબૂત કમાણીની અપેક્ષાને કારણે બજારમાં તેજી જળવાઈ રહી છે. નિષ્ણાતોના મતે, નિફ્ટી ૫૦ છેલ્લા દાયકામાં ૧૪.૬ ટકાના સીએજીઆરથી વધ્યો છે. નિફ્ટી એ નવી ઊંચી સપાટી બનાવી છે, રોકાણકારોના વધતા રોકાણને કારણે આ શક્ય બન્યું છે. આ સિવાય વિદેશી નાણાના પ્રવાહની અસર પણ દેખાઈ રહી છે.

૨૦૨૪ ના પ્રથમ છ મહિનામાં યુએસ ફેડ અને આરબીઆઈ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો થવાની અપેક્ષાને કારણે બજારનું સેન્ટિમેન્ટ સકારાત્મક રહ્યું છે. આ ઉપરાંત, ભારતનો વિકાસ આઉટલૂક પણ બજારને આગળ લઈ જવા માટે સકારાત્મક પરિબળ છે. છેલ્લા કેટલાક સત્રોમાં નિફ્ટી -૫૦માં કોન્સોલિડેશન જોવા મળ્યું છે, પરંતુ આ દરમિયાન રોકાણકારોને ગુણવત્તાયુક્ત શેરો ખરીદવાની તક મળી હતી.આઇસીઆઇસીઆઇ સિક્યોરિટીઝના રિસર્ચ હેડ પંકજ પાંડે અપેક્ષા રાખે છે કે જાન્યુઆરી મહિનામાં જ નિફ્ટી -૫૦ ૫૦૦ પોઈન્ટ વધીને ૨૨,૩૦૦ની નજીક પહોંચશે.મજબૂત તકનીકી પરિબળોએ પણ બજારને દિશા આપી છે. બ્રોકરેજ ફર્મ આઇસીઆઇસીઆઇ ડાયરેક્ટનું અવલોકન છે કે છેલ્લા કેટલાક સત્રોમાં નિફ્ટી -૫૦ ધીમી રીટ્રેસમેન્ટ જોવા મળી છે. આઇસીઆઇસીઆઇ ડાયરેક્ટએ જણાવ્યું હતું કે, અમે માનીએ છીએ કે છેલ્લા બે મહિનાની પ્રભાવશાળી વૃદ્ધિ (૧૬%) આગામી તબક્કા માટે માર્ગ મોકળો કરશે. નિફ્ટી નો મજબૂત સપોર્ટ ૨૧૩૦૦ પર રાખવામાં આવ્યો છે.