ઇમ્ફાલ, છેલ્લા કેટલાક મહિનાથી મણિપુર હિંસાની આગમાં સળગી રહ્યું છે. બે સમુદાય વચ્ચે ચાલી રહેલી હિંસાએ મોટું સ્વરૂપ ધારણ કરી લીધું છે. આ દરમિયાન અનેક લોકોનાં જીવ પણ હોમાયા છે. તો સેંકડો લોકો બેઘર બન્યા છે. એકવાર ફરીથી મણિપુરમાં હિંસા ભડકી ઉઠી છે.
જેથી પોલીસ જવાને એક ૩૨ વર્ષીય યુવકની ગોળી મારી હત્યા કરી દીધી હતી. જેથી રોષે ભરાયેલા લોકોએ પોલીસ પર જીવલેણ હુમલો કર્યો હતો. ઉગ્ર સ્થિતિને કાબૂમાં લેવા માટે પાંચ દિવસ માટે ઈન્ટરનેટ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. ચુરાંચાંદપુર જિલ્લામાં બે મહિના માટે આઈપીસીની કલમ-૧૪૪ હેઠળ પ્રતિબંધના આદેશ લાગુ કરી દેવામાં આવ્યો છે. બે સમુદાય વચ્ચે થઈ રહેલી અથડામણને લીધે હજી સ્થિતિ તણાવપૂર્ણ છે.
હિંસાની સ્થિતિ જોતા વહીવટી તંત્રએ કલમ-૧૪૪ લાગુ કરી છે, જે ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૪ સુધી લાગુ રહેશે. કલમ લાગુ થતા એક સ્થળે પાંચ અથવા વધુ લોકો એક્સાથે એકઠા નહીં થઈ શકે. ઉપરાંત હથિયાર રાખવા પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. જિલ્લા મેજિસ્ટ્રેટ અનુસાર હિંસાગ્રસ્ત વિસ્તારોમાં શાંતિ જળવાઈ રહે તે માટે સતત પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે. મહત્ત્વનું છે કે, મણિપુરનાં કેટલાક વિસ્તારમાં ચાલુ વર્ષે સતત સંઘર્ષ ચાલી રહ્યો છે. મણિપુરમાં મેઈતી સમુદાય એસટીનો દરજ્જાની માંગ કરી રહ્યું છે, જેનો સતત વિરોધ કરાઈ રહ્યો છે. મેઈતી સમુદાયની માંગના વિરોધમાં ત્રણ મહિનાથી આદિવાસી એક્તા મોરચાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના લીધે સમુદાય હિંસા ભડકી ઉઠી હતી. આ હિંસામાં આશરે ૧૮૦થી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યા છે. જો કે, સરકારે આ દરમિયાન હિંસા ડામવા અનેક પ્રયાસો હાથ ધર્યા હતા.