
ભરૂચ, લોક્સભા ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ રાજકીય ગરમાવો આવી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસે ગુજરાતમાં મોટા ભાગની સીટ પર પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે. પરંતુ ભરૂચની સીટ પર વરિષ્ઠ કોંગ્રેસી નેતા દિવંગત અહમદ પટેલના પુત્ર ફૈસલ પટેલનો મોહ છૂટતો જણાઈ રહ્યો નથી. ભરૂચ લોક્સભા બેઠકનો વિવાદ હજુ પણ યથાવત હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ફરી એકવાર ફૈઝલ પટેલે ઇન્ડીયા ગઢબંધનથી અલગ થઈને ચુંટણી લડવાના સંકેત આપ્યા છે. જી હા…સ્વ.અહેમદ પટેલના પુત્રએ આજે એક ટ્વીટ કર્યું. જેના કારણે રાજનીતિમાં ગરમાવો જણાઈ રહ્યો છે. ફૈઝલ પટેલે ટ્વીટમાં લખ્યું છે કે, હજુ નોમિનેશનમાં ઘણો સમય બાકી છે. આ નિવેદનથી એક વાત તો સ્પષ્ટ થાય છે કે ફૈઝલ પટેલને ભરૂચ બેઠકથી લડવાની ઈચ્છા છે.
મહત્વનું છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ભરૂચ અને ભાવનગર બેઠક માટે ગઠબંધન થયું છે. જેમાં ભરૂચ બેઠક પર આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાને ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા છે. જોકે ફૈસલ પટેલને હજુ પણ ચૂંટણી લડવાના અભરખા છે. ત્યારે ભરૂચ બેઠક પર કાંટે કી ટક્કર જોવા મળશે તે નક્કી છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ કોંગ્રેસ-આપ ગઠબંધન બાદ મુમતાઝ પટેલે નારાજગી વ્યક્ત કરી હતી. મુમતાઝ પટેલે ટ્વીટ કરી નિરાશા વ્યક્ત કરી હતી. મુમતાઝ પટેલે એ ટ્વીટમાં કહ્યું હતું કે, ગઠબંધનમાં ભરૂચ લોક્સભા બેઠક સુરક્ષિત ન કરી શકવા બદલ અમારા જિલ્લા કેડરની દિલથી ક્ષમાયાચના. હું નિરાશા શેર કરું છું. સાથે મળીને, અમે ઈન્ડિયાને વધુ મજબૂત બનાવવા માટે ફરીથી સંગઠિત થઈશું. અમે અહેમદપટેલના ૪૫ વર્ષના વારસાને વ્યર્થ નહીં જવા દઈએ.