ફરી એકવાર કચ્છની ધરા ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠી

ભુજ,

કચ્છ જિલ્લામાં સોમવારે સવારે ૩.૨ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચએ આ માહિતી આપી. જિલ્લા અધિકારીઓએ જણાવ્યું હતું કે ભૂકંપને કારણે કોઈ જાનહાની કે સંપત્તિના નુક્સાનના અહેવાલ નથી. આઇએસઆર અનુસાર, ભૂકંપ સવારે ૭.૩૫ વાગ્યે આવ્યો હતો અને તેનું કેન્દ્ર કચ્છ જિલ્લાના ભચાઉ શહેરથી લગભગ ૧૦ કિમી ઉત્તર-ઉત્તરપૂર્વમાં હતું.

કચ્છ જિલ્લામાં ભૂકંપનું જોખમ “વધારે” રહે છે અને હળવા આંચકા નિયમિતપણે અનુભવાય છે. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અનુસાર, રાજ્ય વારંવાર ધરતીકંપથી પ્રભાવિત થયું છે અને ૧૮૧૯, ૧૮૪૫, ૧૮૪૭, ૧૮૪૮, ૧૮૬૪, ૧૯૦૩, ૧૯૩૮, ૧૯૫૬ અને ૨૦૦૧માં મોટા ભૂકંપનો અનુભવ થયો છે.૨૦૦૧નો કચ્છનો ભૂકંપ છેલ્લી બે સદીઓમાં ભારતમાં આવેલો બીજો સૌથી વિનાશક ભૂકંપ હતો. જેમાં ૧૩,૮૦૦થી વધુ લોકોના મોત થયા હતા અને અન્ય ૧.૬૭ લાખ લોકો ઘાયલ થયા હતા.

રાજ્યના કચ્છ અને અમરેલીમાં વારંવાર ભૂકંપના આંચકા અનુભવાય છે. આ દરમિયાન ગઈકાલે નર્મદા જીલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. કેવડીયાથી માત્ર ૫ કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું જાણવા મળ્યું છે. રિક્ટર સ્કેલ પર નર્મદા જીલ્લામાં ૩.૧ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો.