મુંબઈ,
દેશની આર્થિક રાજધાની ગણાતી મુંબઈમાં માણસાઈ ફરી એક વખત શર્મસાર થઈ હતી. મુંબઈમાં ૨૦ મહિનાની બાળકી પર બળાત્કારની ઘટના પ્રકાશમાં આવી હતી. પોલીસે નરાધમની ધરપકડ કરી છે. મુંબઈના વરલી પરિસરમાં આ શર્મનાક ઘટના બની હતી. બાળકીની માતાએ વરલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ આ ઘટના પ્રકાશમાં આવી હતી અને પોલીસે ૩૫ વર્ષીય વ્યક્તિની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર મુંબઈના વરલી પોલીસ સ્ટેશનની હદમાં ૨૦ મહિનાની બાળકી પર બળાત્કાર કરવા પ્રકરણે ૩૫ વર્ષના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આરોપી સામે આઈપીસીની ધારા ૩૭૬ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ પ્રકરણે વધુ તપાસ કરાઈ રહી છે.
માહિતી પ્રમાણે પીડિતાની માતાએ નોંધાવેલી ફરિયાદને આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપી અને પીડિતા બંને એક જ વિસ્તારમાં રહે છે. પીડિતાની માતા કોઈ કારણસર કામથી બહાર ગઈ હતી અને બાળકીને ઘરમાં એકલી જોઈને આરોપી તેને પોતાની સાથે લઈ ગયો હતો. પીડિતાને પોતાના ઘરે લાવ્યા બાદ આરોપીએ ત્યાં તેના પર બળાત્કાર કર્યો હતો અને ફરી બાળકીને પોતાના ઘરની બહાર છોડી દીધી હતી.
ઘરે આવ્યા બાદ પીડિતા ખૂબ જ રડી રહી હતી અને તે તેની માતાને કંઈ કહી શક્તી નહોતી. આખરે કંઈક અજુગતું બન્યું હોવાની શંકાઆવતા માતા બાળકીને લઈને નજીકની હોસ્પિટલ પહોંચી હતી. જ્યાં ડોક્ટરોએ તેની તપાસ કરી હતી અને આ તપાસમાં બાળકી પર બળાત્કાર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. દીકરી સાથે બળાત્કાર થયો હોવાની માહિતી મળતાં જ માતાએ તાત્કાલિક પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક પગલાં લઈને ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરવામાં આવી છે.