ફરી દિલ્હીની ગલીઓમાંથી મહિલાના ટુકડા મળ્યા: બેગમાં માથું અને બાકીનાં અંગો દૂર વેરવિખેર પડ્યાં હતાં; ટુકડા શોધવા માટે પોલીસે ડ્રોનનો ઉપયોગ કર્યો

  • મહિલાની ઉંમર ૩૫-૪૦ વર્ષની હોઈ શકે છે, પરંતુ ઓર્થો ફોરેન્સિક રિપોર્ટ બાદ તેની પુષ્ટિ થશે.

નવીદિલ્હી,દિલ્હીમાં ફરી એકવાર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ગીતા કોલોનીમાં ફ્લાયઓવર પાસે એક મહિલાની લાશ મળી આવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર ફ્લાયઓવરની આસપાસ શરીરનાં કેટલાંય અંગો વિખરાયેલા હતાં. પોલીસને સવારે ૯.૧૫ કલાકે માહિતી આપવામાં આવી હતી. હજુ સુધી મૃતદેહની ઓળખ થઈ શકી નથી.

કાળી પોલિથિન બેગમાં કપાયેલું માથું મળ્યું ડેપ્યુટી કમિશનર સાગર સિંહ કલસીએ જણાવ્યું હતું કે, એક સ્થાનિક નાગરિકે પોલીસને શરીરનાં અંગોની શોધ અંગે જાણ કરી હતી. જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે તેમને બે કાળા રંગની પોલિથિન બેગ મળી આવી હતી. કપાયેલું માથું બેગમાં હતું. વાળ લાંબા હોવાથી આ લાશ મહિલાની હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

ડેપ્યુટી કમિશનર સાગર સિંહ કલસીએ જણાવ્યું હતું કે, એક સ્થાનિક રહેવાસીએ સવારે ૯.૧૫ વાગ્યે પોલીસને શરીરનાં અંગો મળ્યાની જાણ કરી હતી. પોલીસે સ્થળ પર પહોંચ્યા બાદ તેને કબજે કરી લીધાં હતાં. કપાયેલા માથાના વાળ મોટા છે, જેના પરથી અનુમાન લગાવવામાં આવે છે કે તે કોઈ મહિલાની લાશ છે.

ડેપ્યુટી કમિશનરે કહ્યું કે મહિલાની ઉંમર ૩૫-૪૦ વર્ષની હોઈ શકે છે, પરંતુ ઓર્થો ફોરેન્સિક રિપોર્ટ બાદ તેની પુષ્ટિ થશે. કોતવાલી પોલીસ સ્ટેશનમાં હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. ઘટનાની તપાસ માટે ક્રાઈમ અને ફોરેન્સિક ટીમને ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે. વધુ પુરાવા એકત્ર કરવા માટે અમે ડ્રોનની મદદથી વિસ્તારની શોધ કરી રહ્યા છીએ.