ફરી ચર્ચાનું કેન્દ્ર બન્યુ બાગેશ્ર્વર ધામ, ૧૦ વર્ષીય બાળકીનુ મોત થતા પરિવારજનોનો આક્રોશ આસમાને

બાગેશ્વર,

બાગેશ્ર્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી આ દિવસોમાં ચર્ચામાં છે. આ દરમિયાન ૧૦ વર્ષની બાળકીનું મોત થતા ચકચાર મચી જવા પામી છે. બાળકી ૧૭ ફેબ્રુઆરીએ બાગેશ્ર્વર ધામમાં આવી હતી. સંબંધીઓના જણાવ્યા અનુસાર, બાળકીને હુમલા આવતા હતા. જ્યારે તેણે અહીં ચમત્કાર સાંભળ્યો, ત્યારે તેઓ બાગેશ્ર્વર ધામમાં લઈ આવ્યા, તેમણે ભભૂતિ આપી. એવી અપેક્ષા હતી કે તેનો જીવ બચી જશે, પરંતુ તેનુ મોત થઈ ગયુ.

મળતી માહિતી મુજબ, ૧૦ વર્ષની બાળકી વિષ્ણુ કુમારી તેના પિતા બુધરામ, તેની માતા ધમ્મુ દેવી અને માસી ગુડ્ડી સાથે બાડમેરથી ૧૭ ફેબ્રુઆરીના રોજ બાગેશ્ર્વર ધામ આવી હતી. ધામમાં બાળકીની નાજુક તબિયતને લીધે તે આખી રાત જાગતી રહી, જેના કારણે બપોરે જ્યારે તેની આંખો ઝબકી ત્યારે સંબંધીઓને લાગ્યું કે બાળક સૂઈ ગયુ છે. પરંતુ શરીરમાં કોઈ હિલચાલ ન થતાં તેઓ ગભરાઈ ગયા, જેથી તેઓ તેને જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડોક્ટરે તપાસ કરતા બાળકીને મૃત જાહેર કરી હતી.

મૃતક બાળકીની માસી ગુડ્ડીએ જણાવ્યું હતુ કે તે દોઢ વર્ષથી ધામમાં આવી રહી છે. જ્યારે તેમને બાબાજી પાસે લઈ જવામાં આવ્યા ત્યારે તેમણે તેમને ભભૂતિ પણ આપી, પરંતુ તેનાથી તે બચી શકી નહી. બાબાજીએ કહ્યું કે તે શાંત થઈ ગઈ છે, આમને દૂર લઈ જઓ. હોસ્પિટલ ચેકઅપ અને મૃત્યુની પુષ્ટિ કર્યા બાદ પરિવારજનોમાં પારાવાર રોષ જોવા મળ્યો હતો.

આ દરમિયાન વધુ એક તસવીર સામે આવી જે માનવતાને શરમાવે છે.બાળકીના મૃતદેહને હોસ્પિટલથી એમ્બ્યુલન્સ સુધી લઈ જવા માટે સ્ટ્રેચર પણ મળ્યુ ન હતું. બાળકીની માસી ગુડ્ડી પોતે મૃતદેહને ખોળામાં લઈને હોસ્પિટલની બહારની એમ્બ્યુલન્સમાં લઈ ગઈ.