
- પહેલગામના નુનવાન બેઝ કેમ્પમાં ફરજ પર તૈનાત સેનિટેશન સુપરવાઈઝરએ રજા લીધા વિના વર્ચ્યુઅલ નિકાહની વિધિ કરી
ફરજ પ્રત્યેની નિષ્ઠાનું ઉદાહરણ શ્રી અમરનાથ યાત્રામાં જોવા મળ્યું. અનંતનાગ જિલ્લાના પહેલગામના નુનવાન બેઝ કેમ્પમાં ફરજ પર તૈનાત સેનિટેશન સુપરવાઈઝરએ રજા લીધા વિના વર્ચ્યુઅલ નિકાહની વિધિ કરી હતી. મોબાઈલ પર જ ’કબુલ હૈ…કબુલ હૈ…કબુલ હૈ’ કહીને લગ્ન સંપન્ન થયા.
દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લાના ઝૈનાપોરાના રહેવાસી ફૈઝલના લગ્ન ૩ જુલાઈએ નક્કી કરવામાં આવ્યા હતા, પરંતુ તેની અમરનાથ યાત્રાની ફરજને કારણે તે ઘરે ગયો ન હતો અને કેમ્પમાં રહીને પોતાનું કામ ચાલુ રાખવાનું નક્કી કર્યું હતું. ફરજ પર હતા ત્યારે, ગ્રામ્ય સ્વચ્છતા, ગ્રામીણ વિકાસ વિભાગ અને સેવા પ્રદાતાઓએ નિકાહ માટે એક નાનકડી સમારંભનું આયોજન કર્યું હતું. સ્થળ પર હાજર લોકો માટે ચા, મીઠાઈ અને બિસ્કિટની વ્યવસ્થા કરવામાં આવી હતી. કાઝીએ મોબાઈલ પર જ લગ્નની વિધિ પૂરી કરાવી.
ડાયરેક્ટર જનરલ (ડીજી) ગ્રામીણ સ્વચ્છતા અનુ મલ્હોત્રાએ આ વિશેષ અવસર પર ફૈઝલ અહેમદને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે ફૈઝલનું સમર્પણ સ્વચ્છતા મિશનની સફળતાને સુનિશ્ર્ચિત કરવામાં તેમની ભૂમિકાને પ્રતિબિંબિત કરે છે. અમને ફૈઝલની પ્રતિબદ્ધતા અને તે આપેલી અનુકરણીય સેવા પર ગર્વ છે.
બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર (બીડીઓ) મુદાસિર ગુલે જણાવ્યું હતું કે, એક સરળ યાત્રાધામ સુનિશ્ર્ચિત કરવાની પોતાની જવાબદારી સમજતા, ફૈઝલ અહેમદે નિકાહ માટે ઘરે જવાને બદલે બેઝ કેમ્પમાં રહીને ફરજને પ્રાથમિક્તા આપી. ઉપસ્થિતોએ તેમનું મનોબળ વધારવા માટે એક યાદગાર કાર્યક્રમની ખાતરી આપી.
મુદાસિરએ કહ્યું, અમે સુપરવાઈઝરને હૃદયપૂર્વક અભિનંદન આપીએ છીએ અને તેમને અને તેમની પત્નીને તેમના જીવનભર સુખ અને સંતોષની ઈચ્છા કરીએ છીએ. આ અનોખું ઉદાહરણ આપણા સમુદાયમાં પ્રતિબદ્ધતાનું ઝળહળતું ઉદાહરણ બની રહેશે.