ભચાઉ ચકચારી હત્યાના પ્રયાસ કેસમાં ફારર સસ્પેન્ડેડ લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરીની પોલીસે ધરપકડ કરી.

ભચાઉ ચકચારી હત્યાના પ્રયાસ કેસમાં ફારર સસ્પેન્ડેડ લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરીની પોલીસે ધરપકડ કરી છે. આ કેસમાં સેશન્સ કોર્ટે જામીન રદ કર્યા બાદ લેડી કોન્સ્ટેબલ ફરાર થઈ જતા પોલીસ દોડતી થઈ હતી. જો કે, ગુજરાત ATSની ટીમે નીતા ચૌધરીની લીમડીના એક ગામમાંથી ઝડપી પાડી છે. ઉલ્લેખનીય છે કે, બુટલેગર સાથે મળીને પોલીસ કર્મચારીઓ ઉપર ગાડી ચડાવી હતી. તેમજ ગાડીમાંથી દારૂ પણ મળી આવ્યો હતો. જેને લઇને લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરી સામે કચ્છના ભચાઉ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.

સસ્પેન્ડેડ નીતા ચૌધરીની અટકાયત
સેશન્સ કોર્ટના હુકમ બાદ કચ્છ પોલીસની ટીમ નીતા ચૌધરીની અટકાયત કરવા તેના ઘર પર પહોંચી હતી. પરંતુ, ઘર પર તાળું જોઇ પોલીસને ખાલી હાથે પરત ફરી હતી. ત્યાર બાદથી પોલીસ સસ્પેન્ડેડ લેડી કોન્સ્ટેબલનું લોકેશન મેળવવા દોડધામ કરી હતી. જો કે, પોલીસ ધરપકડ કરે તે પહેલાં જ નીતા ચૌધરીએ ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. આ મામલે હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી ઉપર સુનાવણી થવાની બાકી છે. જોકે, જામીન અરજી પર સુનાવણી થયા તે પહેલાં જ ગુજરાત ATSની ટીમે નીતા ચૌધરીની સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકાના એક ગામમાંથી ઝડપી પાડી તેની ધરપકડ કરી છે. અત્યાર સુધી લેડી કોન્સ્ટેબલ બુટલેગરની સાસરીમાં છૂપાઈ હતી.

ATSના DIG સુનિલ જોષીએ જણાવ્યું હતું કે, જામીન રિજેક્ટ થવાની જાણ હોવાથી નીતા ચૌધરી તેની સાથે પકડાયેલા બુટલેગરની સાસરી લીમડીમાં છુપાઈ ગઈ હતી. ગુજરાત એટીએસને આ અંગેની બાતમી મળતા એટીએસની ટીમે લીમડી ખાતેથી આરોપી નીતા ચૌધરીની ધરપકડ કરી છે. નીતા ચૌધરીની કસ્ટડી કચ્છ પોલીસને સોંપવામાં આવશે.

કચ્છના ભચાઉમાં પોલીસ પર કાર ચડાવી દેવાના પ્રયાસમાં નોંધાયેલા હત્યાના પ્રયાસ કેસમાં નીતા ચૌધરીને નીચલી કોર્ટમાંથી જામીન મળી ગયા હતા. પરંતુ, નીચલી કોર્ટના આદેશ સામે ભચાઉ પોલીસ સેશન્સ કોર્ટમાં જતા સેશન્સ કોર્ટે મંગળવારે જામીન રદ કરતા પોલીસે નીતા ચૌધરીની અટકાયત કરવા કાર્યવાહી હાથ ધરી હતી. કોર્ટના આદેશ બાદ કચ્છ પોલીસની ટીમે નીતા ચૌધરીની અટકાયત કરવા તેના ઘર પર પહોંચી હતી પરંતુ, ત્યાં તાળું હોવાથી ખાલી હાથ પરત ફરી હતી. હત્યાના પ્રયાસ કેસમાં જામીન રદ થયા બાદ નીતા ચૌધરી ભૂગર્ભ ઊતરી જતા હવે કચ્છ પોલીસમાં દોડધામ મચી છે.