પ્રખ્યાત શાયર મુનવ્વર રાણાની તબિયત લથડી, અપોલો હોસ્પિટલના આઇસીયુમાં દાખલ

લખનૌ, પ્રખ્યાત શાયર મુનવ્વર રાણાની અચાનક જ તબિયત લથડી છે. તેમને લખનૌઉના અપોલો હોસ્પિટલમાં આઇસીયુમાં એડમિટ કરવામાં આવ્યા છે. આ વાતની જાણકારી તેમની દિકરી સુમૈયા રાણાએ આપી છે. સુમૈયાએ વીડિયો બનાવીને પિતાની ખરાબ સ્વાસ્થ્યની જાણકારી આપી છે. તેમણે કહ્યું કે ઘણા દિવસોથી મુનવ્વર રાણાની તબિયત ખરાબ ચાલી રહી હતી. પરંતુ હવે વધારે ખરાબ થવા પર તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

રિપોર્ટ્સ અનુસાર, મુનવ્વર રાણાની પુત્રી સુમૈયાએ જણાવ્યું કે તેના પિતાની તબિયત છેલ્લા ૩ દિવસથી સારી નથી. તેની સારવાર ચાલી રહી છે. હાલમાં તે તબીબોની દેખરેખ હેઠળ છે. આગામી ૭૨ કલાક તેના પિતા મુનવ્વર રાણા માટે ગંભીર છે. અમને આશા છે કે પિતા મુનવ્વર રાણા જલ્દી સ્વસ્થ થઈ જશે.

આ પહેલા પણ મુનવ્વર રાણાને લખનૌની એસજીપીજીઆઇ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અગાઉ તેની સારવાર દિલ્હીમાં થઈ ચૂકી છે. મળતી માહિતી મુજબ મુનવ્વર રાણાને કિડનીની બીમારી છે. તેમનું ડાયાલિસિસ પણ અનેકવાર કરવામાં આવ્યું છે.