સુરતમાં નાનપુરા વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે ફ્લેટમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. ફ્લેટમાં આગ લાગી ત્યારે એક લંડનથી આવેલી યુવતી હાજર હતી. આગના પગલે બચવા માટે બારીમાંથી બહાર નીકળી એસીના કમ્પ્રેસર પર ઊભી રહી ગઈ હતી અને બચાવો બચાવોની બૂમો પાડી રહી હતી. ફાયર વિભાગને જાણ થતા ઘટના સ્થળે પહોંચી યુવતીનું રેસ્ક્યૂ કર્યું હતું. આ સાથે જ પોણો કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો હતો.
મળતી માહિતી પ્રમાણે નાનપુરા વિસ્તારમાં નાવડીઓવાળા રામજી મંદિર પાસે પ્રિયા એપાર્ટમેન્ટ આવેલું છે. જ્યાં છઠ્ઠા માળે મૂર્તુજા સમીવાલા રહે છે. થોડા દિવસ પહેલા લંડન રહેતી 22 વર્ષીય અહમતતુલા મુકાદમ મૂર્તુજાના ઘરે આવી હતી. આજે અહમત ફ્લેટમાં એકલી હતી. દરમિયાન 11.27 કલાકે વોશિંગ મશીનમાં શોર્ટ સર્કિટના કારણે અચાનક ધડાકા બાદ આગ ફાટી નીકળી હતી. વોશિંગ મશીનમાં આગ લાગવાના પગલે ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું.
હાઈડ્રોલિક સાથે ફાયરની ટીમ રેસ્ક્યૂ માટે પહોંચી વોશિંગ મશીનની પાસે લાકડાના કબાટ અને તેના પર ચોપડાઓ મૂકેલા હતા જેના કારણે ફ્લેટમાં ધુમાડો થઈ ગયો હતો. આગથી બચવા માટે અહમત બારીમાંથી બહાર નીકળીને એસીના કમ્પ્રેસર પર ઊભી રહી ગઈ હતી અને બચાવો બચાવોની બૂમો પાડી રહી હતી. આગની ઘટના અંગે સ્થાનિકો દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જેથી ફાયર વિભાગની છ જેટલી ગાડીઓ, એક હાઇડ્રોલિક અને એક ટીટીએલ મશીન ઘટના સ્થળે દોડી ગઇ હતી.
ફ્લેટમાં આગના પગલે ધુમાડો વધુ હોવાથી એક અધિકારી સહિત ચાર જેટલા જવાનો ઓક્સિજન માસ્ક પહેરીને ફ્લેટ સુધી પહોંચ્યા હતા. ત્યારબાદ આગ પર થોડો કાબૂ મેળવીને પહેલા યુવતીને રેસ્ક્યૂ કરીને દાદરથી નીચે ઉતારવામાં આવી હતી. પોણો કલાકની જહેમત બાદ ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આ સાથે જ રેસ્ક્યૂ કરવામાં આવેલી યુવતીને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
ફ્લેટમાં લાગેલી આગના પગલે લાકડાના કબાટ વોશિંગ મશીન સહિતનો સામાન સળગીને ખાખ થઈ ગયો હતો. ઘરમાં રહેલો સામાન સળગી જવાના કારણે ભારે નુકસાન થયું છે. ફ્લેટમાં આગની ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા ફાયર વિભાગે પણ રાહતનો શ્વાસ લીધો હતો.