અમેરિકાની ફાઈઝર કંપનીએ ભારતમાં પોતાની કોરોના વેક્સિનનો ઈમરજન્સી ઉપયોગ કરવા માટે ડ્રગ કન્ટ્રોલર ઓફ ઈન્ડિયા સમક્ષ અરજી કરી છે.
ભારતમાં કોરોના વેક્સિનનો ઉપયોગ કરવા માટે મંજૂરી માંગનાર ફાઈઝર પહેલી કંપની બની છે.ફાઈઝરને તાજેતરમાં જ બ્રિટિશ સરકારે ઈમરજન્સીમાં વેક્સિનનો ઉપયોગ કરવા માટે પરવાનગી આપી દીધી છે.બીજી તરફ સિરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા દ્વારા પણ ઈમરજન્સી ઉપયોગ માટે અરજી થયેલી છે.સિરમ ઈન્સ્ટિટ્યુટ ભારતમાં ઓક્સફર્ડની વેક્સિન કોવિશિલ્ડના ઉપયોગ માટે મંજૂરીની રાહ જોઈ રહી છે.
વેક્સિનના ઈમરજન્સી ઉપયોગ માટેની મંજૂરી પહેલા વેક્સિનની અસર અને તેની સુરક્ષાનુ એનાલિસિસ કરીને આપવામાં આવતી હોય છે.આ માટે ક્લિનિકલ ટ્રાયલ્સના પરિણામોને ગણતરીમાં લેવાય છે.સામાન્ય રીતે કોઈ પણ વેક્સિનને એપ્રૂવ થવામાં વર્ષો લાગી જતા હોય છે પણ હાલમાં કોરોનાના કારણે જે પ્રકારની સ્થિતિ ભારતમાં છે તેના લીધે આ ધારાધોરણો પર ઘણા દેશોને ફરી વિચારણા કરવી પડી છે.
જોકે ફાઈઝરની વેક્સિનની ભારતમાં ટ્રાલય થઈ નથી.કંપનીનો દાવો છે કે, આ વેક્સિન 95 ટકા અસરકારક છે.કંપનીએ ભારતને પણ મંજૂરી માટે યુકે સરકારને જે ડેટા આપ્યો હતો તે આપવો પડશે.જોકે ફાઈઝર વેક્સિનની મોટી સમસ્યા તેના સ્ટોરેજની છે.કારણકે આ વેક્સિનને -70 ડિગ્રી ટેમ્પરેચર પર સાચવવી પડે છે.ભારત જેવા દેશો પાસે આ પ્રકારના સ્ટોરેજની સુવિધાઓ નથી.અમેરિકામાં તેની કિંમત 40 ડોલર છે અને ભારતમાં તેની કિંમત વધારે હોઈ શકે છે