ફતેપુરા તાલુકાના સુખસરની પરણીતાનું લગ્નના બે માસમાં જ શંકાસ્પદ મોત નીપજતાં ફોરેન્સિક ઢબે દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં પી.એમ. કરાયું

  • મૃતક મહિલા ગુરૂવાર સવારના સાડા ચાર વાગ્યાના અરસામાં ઘરમાંથી બહાર નીકળી પરત ઘરમાં આવતા ચક્કર આવતા સારવાર માટે ખસેડાઈ હતી.
  • મૃતક 20 વર્ષીય પરણીતાને સારવાર મળે તે પહેલાજ મોત નીપજતા પિયર સહિત સાસરિયાઓમાં હાહાકાર.

ઉંચા અરમાનો સાથે લગ્નને તાતણે બંધાયેલ 20 વર્ષીય પરણીતાના લગ્નના માત્ર બે માસ જેટલો સમય થયો હતો. હાથની મહેંદી પણ મહિલા નવોઢા હોવાની સાક્ષી પૂરતી હતી. લગ્નના બંધને બંધાયેલ યુવક યુવતી હજી એકબીજાને સારી રીતે જાણે, સમજે તે પહેલા કુદરતને કાંઇક મંજૂર ન હોય તેમ પરણીતાનું શંકાસ્પદ આકસ્મિક મોત નીપજતા પરિવાર,ગામ સહિત પિયરીઓમાં હાહાકાર મચી જવા પામ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસર ગામના સંગાડા ફળિયામાં રહેતા વિકેશભાઇ ભાવાભાઈ સંગાડાના લગ્ન દોઢેક માસ અગાઉ નાની ચરોલી, હોળી ફળિયા, તા.ફતેપુરાના વતની વીરસીંગભાઇ ટીટાભાઇ પારગીની પુત્રી સોનલબેન સાથે સમાજના રિવાજ મુજબ થયેલ હતા. લગ્ન બાદ પતિ પત્ની એકબીજાને સારી રીતે સમજી સુખેથી ઘર સંસાર ચલાવવા દાંપત્ય જીવનના પાટા ઉપર ચડી રહ્યા હતા. ત્યાંજ તારીખ 27 જૂન 2024 ના રોજ વહેલી સવારના સાડા ત્રણ વાગ્યાથી ચાર વાગ્યાના અરસામાં સોનલબેન ઘરની બહાર પેશાબ કરવા નીકળ્યા હતા. જ્યારે ઘરમાં પરત આવ્યા ત્યારે સોનલબેનને એકદમ અચાનક શ્ર્વાસ ચડી ચક્કર આવતા પડી જતા સારવાર માટે 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી.અને સારવાર માટે સુખસર સરકારી દવાખાનામાં લઈ જવામાં આવી હતી.

જોકે સોનલબેને બુધવાર રાત્રિના તેના માતા-પિતાને મોબાઈલ કરી જણાવેલ કે, મારી ર્માં હિંમતનગર થી ઘરે આવેલ છે, તો હું મળવા સારૂં સવારમાં ચરોલી ગામે આવું છું. તેવી વાત પણ માતા પુત્રી સાથે થઈ હતી. જ્યારે વહેલી સવારે સાડા ચાર વાગ્યાના અરસામાં સોનલને ચક્કર આવતા હોવાની તથા સરકારી દવાખાનામાં લાવતા હોવાની વાત મોબાઈલ દ્વારા મામા સસરા દિલીપભાઈ ડાંગીએ સોનલના માતા-પિતાને કરતા તાત્કાલિક તેઓ સુખસર આવવા નીકળ્યા હતા.અને થોડીવારમાં ફરીથી મોબાઈલ દ્વારા જણાવેલ કે, સોનલને સુખસર સરકારી દવાખાનામાં સારવાર માટે લાવેલ હતા પરંતુ સોનલબેન મરણ ગયેલ છે.તેમ વાત કરતા સોનલના માતા-પિતા પરત ઘરે જઈ પરિવારજનોને આ બાબતની જાણ કરી હતી અને પિયરીયાઓ મોટી સંખ્યામાં સુખસર સરકારી દવાખાના ઉપર ઉમટી પડ્યા હતા.અને કેટલાક પિયરિયાઓ સોનલ સાથે કોઈ અઘટીત ઘટના ઘટી હોવા બાબતે રોષ ઠાલવતા નજરે પડ્યા હતા છતાં પિયરીયાઓએ સંયમ જાળવ્યો હતો.

ઉપરોક્ત ઘટનાની તપાસ માટે ફતેપુરા મામલતદાર તથા સુખસર પી.એસ.આઇ, જી.બી.ભરવાડ સહિત પોલીસ સ્ટાફ તાત્કાલિક દવાખાના ઉપર આવી પહોંચ્યા હતા અને લગ્નનો ટૂંકો ગાળો હોય મૃતક સોનલબેનની લાશનુ ફોરેન્સિક પી.એમ કરાવવાનુ હોય લાશને દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલી પી.એમ કરાવવામાં આવ્યું હતું. જોકે, મૃતક સોનલબેનના શરીર ઉપર કોઈ વાગેલાના નિશાન જણાઈ આવ્યા ન હતા. ત્યારે મૃતક સોનલબેનનું મોત કયા કારણોસર થયુ છે, તેની ફોરેન્સિક તપાસ માટે વિશેરા લઈ લેબમાં મોકલી આપવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. સોનલબેનના મોતનું સાચું કારણ વિશેરા રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે. જ્યારે મૃતક સોનલબેનની લાશના પી.એમ. બાદ લાશનો કબજો તેમના વાલી વારસોને સોંપી પોલીસે આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.