કાર્યવાહી:ફડણવીસનાં પત્નીને ધમકી આપનારની ધરપકડ કરાઈ

મુંબઇ,

મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનાં પત્ની અમૃતા ફડણવીસને લાંચની ઓફર તેમજ ધમકી આપવાના મામલે મુંબઇ પોલીસે ડિઝાઇનર અનિક્ષાની ધરપકડ કરી છે. અનિક્ષા લગભગ ૧૬ મહિનાથી અમૃતાના સંપર્કમાં હતી. અમૃતાએ તેની સામે એફઆઈઆર નોંધાવી છે.

માહિતી મુજબ, ઉલ્હાસનગરની રહેવાસી અનિક્ષા સટ્ટાબાજ અનિલ જયસિંઘાનીની પુત્રી છે. અનિલ વિરુદ્ધ મહારાષ્ટ્ર, ગોવા અને આસામમાં ઘણા કેસ નોંધાયેલા છે. અમૃતાનો આરોપ છે કે અનિક્ષાએ પોતાના પિતાની સામેના અપરાધિક કેસોને બંધ કરવા માટે એક કરોડની લાંચની ઓફર કરી હતી. એટલું જ નહીં કાવતરું રચીને ફસાવી દેવાની ધમકી પણ આપી હતી. અમૃતાએ કહ્યું હતું કે ૧૮ અને ૧૯ ફેબ્રુઆરીએ અનિક્ષાએ અજાણ્યા નંબર પરથી વીડિયો ક્લિપ્સ, વૉઇસ નોટ્સ અને મેસેજ મોકલ્યા હતા. અમૃતાએ ૨૦ ફેબ્રુઆરીએ ડિઝાઇનર અને તેના પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

નાયબ મુખ્યમંત્રી ફડણવીસે આ મામલાને રાજકીય કાવતરા તરીકે ગણાવીને કહ્યું છે કે લાંચરુશ્ર્વત મામલામાં તેમને ફસાવવા માટે આ તમામ કાવતરાં ઘડવામાં આવ્યાં છે. તેમના રાજકીય કેરિયરને ખતમ કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. ગૃહમાં તેમણે એમ પણ કહ્યું હતું કે સરકાર બદલાઇ ગયા બાદ ડિઝાઇનરે સટોડિયાઓની સાથે પોતાના સંપર્કો અંગે અમૃતાને માહિતી આપી હતી. સટોડિયાઓની માહિતી આપવાની પણ વાત કરી હતી. ડિઝાઇનરે સંકેત આપ્યો હતો કે, તેના પિતાની સામે કેસ પરત ખેંચવામાં નહીં આવે તો તેમને ફસાવી દેવાશે.

અનિક્ષાની ધરપકડ કરવામાં આવ્યા બાદ કેટલીક નવી વિગત સપાટી પર આવી શકે છે. હાલમાં પોલીસે આ સંબધમાં કોઇ માહિતી આપી નથી. પરંતુ રાજકીય વર્તુળોમાં પણ આને લઇને આક્ષેપ પ્રતિ આક્ષેપોનો દોર શરૂ થયો છે. હજુ ડિઝાઇનરની પ્રાથમિક પુછપરછ કરવામાં આવી છે. વિવાદ થયા બાદ ફડણવીસને સ્પષ્ટતા કરવાની ફરજ પડી છે.