એકસપ્રેસ હાઈવે ચકલાસી પાસે ટ્રકને ઓવરટેક કરવા જતાં કાર પલ્ટી ખાઈ જતાં એકનુ મોત

નડિયાદ, અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઈવે પર ચકલાસી મહાદેવપુરા સીમમાં ઓવરટેક કરવા જતા ગાડી ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં એક વ્યકિતનુ ધટના સ્થળે મોત નીપજયું હતુ. જયારે ગાડીમાં બેઠેલ ત્રણ વ્યકિતઓને ઈજાઓ થવા પામી હતી.

પાદરા તાલુકાના ચિત્રાલમાં રહેતા સોૈમિલભાઈ હર્ષદભાઈ પટેલ અને ફળિયામાં રહેતા જગદીશભાઈ ત્રિકમભાઈ પટેલ, નવીનભાઈ ભીખાભાઈ પટેલ, મહેશભાઈ અંબાલાલ પટેલ, અને વિનોદભાઈ રતીલાલ પટેલ ગામમાં નવચંડી યજ્ઞ કરવાનો હોય કુળદેવી ઉમીયા માતાના મંદિર ઉંઝા ખાતે આમંત્રણ પત્રિકા આપવા ગાડી લઈને અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ચકલાસી મહાદેવપુરા સીમ નજીક આગળ જતી ટ્રકને ઓવરટેક કરવા જતા ગાડીના પાછળનો ભાગ ટ્રક સાથે અથડાતા ગાડી રોડ પર પલ્ટી ખાઈ ગઈ હતી. જેથી ગાડીમાં બેઠેલ લોકોને ઈજાઓ થઈ હતી. ગંભીર રીતે ધવાયેલા જગદીશભાઈ પટેલ ધટના સ્થળે જ મોત પામ્યા હ તા. જયારે અન્યોને ઈજાઓ થતાં 108 મારફતે આણંદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે સોૈમિલભાઈની ફરિયાદના આધારે ચકલાસી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.