અમદાવાદ,
ગુજરાત વિધાનસભા ચૂંટણીના છેલ્લા અને બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. જણાવી દઈએ કે, પ્રથમ તબક્કામાં ૬૩.૧૪ ટકા મતદાન નોંધાયું હતું અને આજે બીજા તબક્કામાં ૬૭ ટકા મતદાન થયું છે. બન્ને તબક્કાનું મતદાન પૂર્ણ થતા જ દેશની અલગ અલગ એજન્સીઓ દ્વારા એક્ઝિટ પોલ પણ બહાર પાડવામાં આવ્યો છે. ત્યારે આ એક્ઝિટ પોલ કેટલો સાચો સાબિત થઈ શકે તેમ છે તેના વિશે આપને જણાવીશું…
ઉલ્લેખનીય છે કે, ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણના મતદાન બાદ પણ આ રીતે જ એક્ઝિટ પોલ બહાર પાડવામાં આવ્યો હતો. ત્યારે આ એક્ઝિટ પોલ કેટલા સાચા પડ્યા હતા અને પરિણામમાં તેની અસર જોવા મળી હતી, તેના વિશે જણાવીએ.
જણાવી દઈએ કે, ૨૦૧૭ની ચૂંટણીમાં ભાજપ દ્વારા ૧૫૦ બેઠકનું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું, પરંતુ અનેક પાટીદાર, દલિત, ઠાકોર સમાજના સહિતના આંદોલનની અસરને લઈને આ ભાજપનું અનુમાન રગદોળાયું હતું અને આખરે ભાજપને ૯૯ બેઠક જીતીને સંતોષ માનવો પડ્યો હતો. જ્યારે કોંગ્રેસ ૨૨ વર્ષથી (તે સમયે) સત્તાથી દૂર રહીને સત્તા હાસલ કરવાની મનસા સાથે જીતની દાવેદારી નોંધાવી રહી હતી. પરંતુ આખરે તેમને પણ ૭૭ બેઠક જીતીને સંતોષ માનવો પડ્યો હતો. આમ, કોંગ્રેસને ૨૨ વર્ષ બાદ પણ ફરીથી સત્તાનું સપનું, સપનું જ રહ્યું. જોકે, ૨૦૧૭ની ચૂંટણીમાં ભારતીય ટ્રાઈબલ પાર્ટીને ૨ બે બેઠક, જગ્નેશ મેવાણી સહિત ૩ અપક્ષ ઉમેદવારોને જીત મળી હતી. આ સાથે, કુતિયાણાથી લડતા દ્ગઝ્રઁના ઉમેદવાર કાંધલ જાડેજાને પણ જીત મળી હતી. આમ, ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ૨૦૧૭માં ભાજપ અને કોંગ્રેસને એક્ઝિટ પોલથી ઘણુ વિપરીત પરિણામ મળ્યું હતું.
એક્ઝિટ પોલ શું છે?
તમામ એજન્સીઓ તેમના એક્ઝિટ પોલ જાહેર કરે છે. એક્ઝિટ પોલ ચોક્કસપણે ચૂંટણી પરિણામોની ખાતરી આપતા નથી હોતા. જણાવી દઈએ કે, ચૂંટણી પંચ સત્તાવાર આંકડા જાહેર કરે છે. આવી સ્થિતિમાં કઈ સર્વે એજન્સીનો એક્ઝિટ પોલ સૌથી સચોટ છે તે તો પરિણામની તારીખે જ ખબર પડે છે. એક્ઝિટ પોલ શું હોય અને એક્ઝિટ પોલ કેવી રીતે તૈયાર થાય છે?
સર્વે એજન્સીઓ મતદારને પ્રશ્ર્ન કરે છે, જ્યારે તે મતદાન કર્યા પછી મતદાન મથકની બહાર આવે છે. મતદારને પૂછવામાં આવે છે કે, તેણે કઈ પાર્ટીને મત આપ્યો છે. આને એક્ઝિટ પોલ કહેવામાં આવે છે.
મતદારોના અભિપ્રાયના આધારે એજન્સીઓ તેમનો ડેટા તૈયાર કરે છે. સર્વે એજન્સીઓ મતદારોના જવાબો એકત્રિત કરે છે. ડેટા એકત્રિત કર્યા પછી એક્ઝિટ પોલનું પ્રસારણ કરવામાં આવે છે.