દાહોદ,
ગુજરાત રાજ્યમાં જુનીયર ક્લાર્કના પેપર લીકની ઘટના બાદ દાહોદ જિલ્લામાં આવેલ બસ સ્ટેશન સહિત રેલ્વે સ્ટેશન ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સમગ્ર ગુજરાત રાજ્ય સહિત દાહોદ જિલ્લામાં પણ જુનીયર ક્લાર્કની પરીક્ષા આપનાર પરીક્ષાર્થીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે આ આક્રોશ વચ્ચે કોઈ અનીચ્છીય બનાવ ન બને તે માટે દાહોદ જિલ્લામાં તમામ બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન સહિત અનેક સ્થળોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
રાજ્યમાં વધુ એક વખત જૂનિયર ક્લાર્કના પેપર લીકની ઘટના સામે આવી છે. પરીક્ષા પહેલાં પેપર લીક થતા પરીક્ષા મોકૂફ કરવામાં આવી છે. આ બાબતે પોલીસે અગાઉ એક યુવકની ધરપકડ કરી છે, જેની પાસેથી પ્રશ્ર્નપત્રની નકલ મળી આવી હતી. પેપર મોકૂફ રખાતા 9.53 લાખથી વધુ ઉમેદવારોની મહેનત પાણીમાં ગઈ છે, જેઓ 1181 ખાલી જગ્યા માટે પરીક્ષા આપવાના હતા. પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ 3 જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે હવે પછી બીજી તારીખ જાહેર કરાશે. આ મામલે 10થી 15ની અટક કરી છે અને રાજ્ય બહારની પ્રિન્ટીંગ પ્રેસમાં છપાયેલું આ પેપર પ્રેસમાંથી જ લીક થયાનું જાણવા મળ્યું છે. મળતી વિગત અનુસાર પેપર લીકમાં બિહાર-ઓરિસ્સા અને ગુજરાતનું કનેક્શન સામે આવ્યું છે. ગુજરાત બહારની પ્રિન્ટીંગ પ્રેસમાં પેપર છપાયું હતું. હૈદરાબાદની પ્રિન્ટીંગ પ્રેસની અંદરથી પેપર લીક કર્યું હોવાની એન્ટી ટેરસ્ટિ સ્કવોડ ને પ્રાથમિક કડી મળી હતી. પેપર લીક મુદ્દે મોડી રાત્રે 2 વાગ્યે ઓપરેશન પાર પાડ્યું હતું. જેમાં મુખ્ય સૂત્રધાર પ્રદીપ નાયક, શેખર નામનો શખસ તથા કેતન બારોટ સહિત 15 શખસની અટકાયત કરી છે. મળતી માહિતી અનુસાર ગુજરાત એટીએસની ટીમે પકડેલા આરોપીઓ અલગ-અલગ રાજ્યના છે. જ્યારે વડોદરાના ભાસ્કર ચૌધરી અને રિદ્ધિ ચૌધરીની પણ એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ બંને સ્ટેક વાઇઝ ટેકનોલોજીના સંચાલક છે.
પેપર ફૂટયું હોવાનું સામે આવ્યું છે, ત્યારે સરકારે તપાસ કમિટીની રચના કરી હોવાના અહેવાલ છે. પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આજે 29મી જાન્યુઆરીએ યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષા પેપર લીક થતાં મોકૂફ કરી દીધી છે. ત્યારે સરકારે પેપર લીક મુદ્દે સરકાર દ્વારા એક તપાસ કમિટી રચવામાં આવી હોવાના મીડિયા અહેવાલ છે. આ કમિટીમાં પંચાયત વિભાગ, ગૃહ વિભાગ અને ગુજરાત એટીએસ મળીને તપાસ કરશે.
ઘટના સંદર્ભે દાહોદ જિલ્લામાં પણ પરીક્ષાર્થીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. દાહોદ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લામાં કોઈ અનીચ્છીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વહેલી સવારથીજ દાહોદ જિલ્લાના બસ સ્ટેશન તેમજ દાહોદ રેલ્વે સ્ટેશન ખાતે પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા માટે ઉમટી પડ્યાં હતાં પરંતુ પેપર લીક થયું હોવાનું માલુમ પડતા પરીક્ષાર્થીઓમાં ભારે આક્રોશ સાથે નિરાશા જોવા મળી હતી.
બોક્સ :-
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જુનિયર ક્લાર્ક (વહીવટ હિસાબ)ની પરીક્ષા મોકૂફ.
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જુનિયર ક્લાર્ક (વહીવટ હિસાબ)ની જગ્યાઓ પર ભરતી માટે લેખિત પરીક્ષા આજે તારીખ 29 જાન્યુઆરીના રોજ સવારે 11 થી 12 વાગ્યા દરમ્યાન યોજાનાર હતી. પરતું અનિવાર્ય સંજોગોને કારણે મંડળ દ્વારા પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. પરીક્ષાની નવી તારીખની ટૂંક સમયમાં જાણ કરવામાં આવશે.
બોક્સ :-
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જુનિયર ક્લાર્ક (વહીવટ હિસાબ)ની પરીક્ષાના ઉમેદવારો માટે એસટીની વિનામૂલ્યે મુસાફરી.
ઉમેદવારો પોતાના મૂળ રહેઠાણ જવા માટે એસટીમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે.
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જુનિયર ક્લાર્ક (વહીવટ હિસાબ)ની જગ્યાઓ પર ભરતી માટે લેખિત પરીક્ષા આજે તારીખ 29 જાન્યુઆરીના રોજ સવારે 11 થી 12 વાગ્યા દરમ્યાન યોજાનાર હતી. પરતું અનિવાર્ય સંજોગોને કારણે મંડળ દ્વારા પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. ત્યારે ઉમેદવારો પોતાના મૂળ રહેઠાણ જવા માટે એસટીમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે. આ માટે તેમણે તેમનો કોલ લેટર તેમજ ઓળખપત્ર બતાવવાનું રહેશે.