ઇસ્લામાબાદ,
પાકિસ્તાનમાં મૌલાના ફઝલુર રહેમાન તેમના એક નિવેદનને લઇને વિવાદમાં આવ્યા છે. પાકિસ્તાનના રાજકીય પક્ષ જેયુઆઇ-એફના પ્રમુખ ફઝલુર રહેમાનને ’મૌલાના ડીઝલ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તાજેતરમાં તેમણે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પર પ્રહારો કર્યા હતા. આ માટે તેમણે ઈમરાનના સમર્થકોને નિશાન બનાવીને વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. આ ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લોકો મૌલાના ડીઝલની આકરી ટીકા કરી રહ્યા છે.
ઈમરાનના સમર્થકો પર નિશાન સાધતા મૌલાનાએ કહ્યું હતુ એવા લોકો છે જેઓ કહે છે કે ઇમરાન ખાન અમારી માતા સાથે વ્યભિચાર કરે તો પણ અમે તેને મત આપીશું… એવી યુવતીઓ છે, જે કહે છે, મારું દિલ ઈચ્છે છે કે તે મારા બેડરૂમમાં કોઈક સમયે આવે.
પાકિસ્તાની પત્રકાર મારિયાના બાબરે ફઝલુર રહેમાનનો વીડિયો શેર કરતા લખ્યું, ’મૌલાના તમારા પર શરમ આવે છે. રાજકીય ચર્ચાઓમાં મહિલાઓને શા માટે અપમાનિત થવું પડે છે? જો ટૂંક સમયમાં કોઈ સ્ત્રી તમને જોરથી થપ્પડ મારે તો નવાઈ પામશો નહીં. ઈમરાન ખાનના સમર્થકોને તેમને પ્રેમ કરવાનો સંપૂર્ણ અધિકાર છે. હું આશા રાખું છું કે જ્યારે તમે ઘરે જશો ત્યારે તમારી સ્ત્રી ઓ તમને અંદર જવા નહીં દે.’
એક તરફ જ્યાં કેટલાક યુઝર્સ મૌલાનાના નિવેદનને ખરાબ ગણાવતા જોવા મળ્યા તો બીજી તરફ કેટલાકે તેનો બચાવ કર્યો. તાજેતરના એક વીડિયોમાં મૌલાના કહેતા જોવા મળ્યા હતા કે, જે સરકાર અમે હટાવી છે, અમે માત્ર સરકારને હટાવી નથી પરંતુ દેશને બચાવ્યો છે. આ વખતે પણ તેમનો સંદર્ભ ઈમરાન ખાનના નેતૃત્વવાળી પીટીઆઈ સરકાર તરફ હતો. મહત્વપૂર્ણ છે કે વિપક્ષી દળોએ સાથે આવીને અવિશ્ર્વાસ પ્રસ્તાવ લાવીને પાકિસ્તાનમાં સત્તા પરિવર્તન કર્યું હતું.