એટામાં શાળાના ૧૨ બાળકો બેભાન થઈ ગયા, હોસ્પિટલમાં કરાયા દાખલ

ઉત્તર પ્રદેશના એટા જિલ્લાની એક શાળામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક શાળામાં સવારની પ્રાર્થના દરમિયાન ૧૨ બાળકો બેભાન થઈ ગયા હતા. ઘટનાથી શાળાના કેમ્પસમાં ખળભળાટ મચી ગયો હતો. બાળકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ ઘટના એટા જિલ્લાના માલવન પોલીસ સ્ટેશન વિસ્તારના હરચંદપુર સ્થિત પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલયમાં બની હતી. બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

માહિતી અનુસાર, ઉત્તર પ્રદેશના એટા જિલ્લાની એક શાળામાં મંગળવારે સવારે પ્રાર્થના પછી બે વખત ક્સરત અને યોગ કરવાની ફરજ પાડવામાં આવતા ૧૨ બાળકો બેહોશ થઈ ગયા હતા. જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રેમ રંજન સિંહના જણાવ્યા અનુસાર, “સ્કૂલમાં સવારની પ્રાર્થના પછી ક્સરત કરતી વખતે કેટલાક બાળકો બેહોશ થઈ ગયા. પ્રિન્સિપાલ સંધ્યા શરણ તેમને મેડિકલ કૉલેજ લઈ ગયા. તમામ બાળકો ખતરાની બહાર છે.”

જિલ્લા મેજિસ્ટ્રેટે કહ્યું કે એવો આરોપ છે કે બાળકોને સખત ગરમીમાં બે વખત ક્સરત અને યોગ કરવાની ફરજ પડી હતી, જેના કારણે આ ઘટના બની હતી. તેમણે કહ્યું કે આરોપની તપાસ કરવામાં આવી રહી છે અને બાળકોની તપાસ કરવા માટે એક મેડિકલ ટીમને સ્કૂલ મોકલવામાં આવી છે. હાલમાં ૧૨ વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં દાખલ છે. તેમણે જણાવ્યું કે પ્રવેશ મેળવનાર તમામ બાળકો છથી નવ ધોરણના વિદ્યાર્થીઓ છે.

હાલમાં જ બિહારના મુઝફરપુરમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે. ભેજ અને ગરમીના કારણે એક જ શાળાના ૩૦ બાળકો અને બે શિક્ષકો બેભાન થઈ ગયા હતા. આ શાળામાં એક પંખો પણ નહોતો. જેના કારણે બાળકો ભારે ગરમીના કારણે બેહોશ થઇ ગયા હતા. આ ઘટના સરકારી અપગ્રેડેડ સેકન્ડરી સ્કૂલ, હરકા માનશાહી, મુઝફરપુરમાં બની હતી. આ શાળામાં ભેજ અને ગરમીના કારણે અઢી ડઝનથી વધુ બાળકો અને બે શિક્ષકો બેભાન થઈ ગયા હતા.