એસ્ટ્રાઝેનેકાએ ગંભીર આડ અસરોના આરોપો વચ્ચે તમામ રસીઓ પરત મંગાવી

નવીદિલ્હી, કોરોના વેક્સીન બનાવતી જાયન્ટ એસ્ટ્રાઝેનેકાએ માર્કેટમાંથી તમામ વેક્સીન પરત મંગાવવાનો નિર્ણય લીધો છે. રસીકરણ બાદ લોકોમાં ગંભીર આડઅસરના મામલા સામે આવ્યા બાદ કંપનીએ આ નિર્ણય લીધો છે. આમાં ભારતમાં બનેલી કોવિશિલ્ડ રસીનો પણ સમાવેશ થાય છે. હવે કંપની વૈશ્વિક સ્તરે તેની તમામ રસીઓ પરત મંગાવી રહી છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ કંપનીએ કોર્ટમાં રસી લગાવ્યા બાદ ગંભીર આડઅસરનો સ્વીકાર કર્યો હતો. જો કે, કંપનીએ બજારમાંથી રસી પરત મંગાવવા પાછળ બીજું કારણ આપ્યું છે.

એસ્ટ્રાઝેનેકા વૈશ્વિક ફાર્માસ્યુટિકલ કંપની છે. તે કોવિશિલ્ડના નામથી ભારતમાં કોરોના રસીનું ઉત્પાદન કરી રહી છે. કંપનીએ ભારતમાં તેની રસી પણ પરત મંગાવી છે. ટેલિગ્રાફને ટાંકીને એસ્ટ્રાઝેનેકાએ કહ્યું કે અમે વૈશ્ર્વિક રોગચાળાને સમાપ્ત કરવા માટે ઘણા પ્રયત્નો કર્યા છે અને અમને તેના પર ગર્વ છે. કંપનીએ કહ્યું કે એક અંદાજ મુજબ, ફક્ત અમારી રસીના ઉપયોગના પ્રથમ વર્ષમાં ૬.૫ મિલિયનથી વધુ લોકોના જીવન બચાવી શકાય છે અને વૈશ્ર્વિક સ્તરે ત્રણ અબજથી વધુ ડોઝ પૂરા પાડવામાં આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે તાજેતરમાં એક્ટ્રેજેનેકાએ કોર્ટમાં સ્વીકાર્યું હતું કે તેની રસી લોહી ગંઠાઈ જવા જેવી ગંભીર આડઅસર કરી શકે છે. એસ્ટ્રાઝેનેકા દ્વારા ઉત્પાદિત કોરોના રસી ટીટીએસ  થ્રોમ્બોસિસ થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમનું કારણ હોવાનું નોંધાયું હતું. એસ્ટ્રાઝેનેકા દ્વારા બનાવવામાં આવેલ વેક્સેવરિયા નામની રસી યુકે સહિત ઘણા દેશોમાં સપ્લાય કરવામાં આવી હતી અને આ રસી દુર્લભ આડઅસરો માટે પણ તપાસ હેઠળ છે. ટીટીએસના કારણે યુકેમાં ઓછામાં ઓછા ૮૧ લોકોના મોત થયા છે.