ધર્મશાલા, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ધર્મશાલામાં રમાઈ રહેલી પાંચમી ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલે ફરી એકવાર શાનદાર બેટિંગ કરી હતી. ભારતીય ઓપનરે ૫૮ બોલમાં ૫ ચોગ્ગા અને ૩ છગ્ગાની મદદથી ૫૭ રન બનાવ્યા હતા. આ ૫૭ રનની મદદથી જયસ્વાલે વિરાટ કોહલીના રેકોર્ડને તોડી નાખ્યો. હવે તેની નજર ભૂતપૂર્વ દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કરના મહાન રેકોર્ડ પર છે, જેને તે બીજી ઇનિંગમાં બેટિંગ કરીને સરળતાથી તોડી શકે છે.
વાસ્તવમાં, વિરાટ કોહલીએ ૨૦૧૬માં ઈંગ્લેન્ડ સામે રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં ૬૫૫ રન બનાવ્યા હતા, જેને જયસ્વાલે તોડી નાખ્યા હતા. હવે તેની નજર સુનીલ ગાવસ્કરના રેકોર્ડ પર છે, જેમણે ભારત માટે ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ રન બનાવ્યા છે. જયસ્વાલે ઈંગ્લેન્ડ સામે અત્યાર સુધીમાં ૭૧૨ રન બનાવ્યા છે.
ગાવસ્કરે એક શ્રેણીમાં ભારત માટે સૌથી વધુ ૭૭૪ રન બનાવ્યા છે, જેને પાર કરવા માટે જયસ્વાસને માત્ર ૬૩ રનની જરૂર છે. યશસ્વીનું અત્યાર સુધીની સીરીઝમાં જે ફોર્મ જોવા મળ્યું છે તે જોતા લાગે છે કે તે ધરમશાલા ટેસ્ટમાં સિરીઝની તેની બીજી અને છેલ્લી ઇનિંગમાં ૬૩ રન બનાવશે. હવે તે જોવાનું રસપ્રદ રહેશે કે શું તે ખરેખર ગાવસ્કરનો રેકોર્ડ તોડવામાં સક્ષમ છે કે પછી ભારત માટે શ્રેણીમાં સૌથી વધુ રન બનાવવાની યાદીમાં બીજા સ્થાને રહે છે.
તમને જણાવી દઈએ કે જયસ્વાલે ૯મી ટેસ્ટની ૧૬મી ઇનિંગમાં બેટિંગ કરતા ૧૦૦૦ રનનો આંકડો પાર કર્યો છે. ભારતીય ઓપનરે ૬૮.૫૩ની એવરેજથી ૧૦૨૮ રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેણે બે ડબલ્સ સહિત ત્રણ સદી અને ચાર અડધી સદી ફટકારી છે. આ દરમિયાન જયસ્વાલના બેટમાંથી ૨૯ છગ્ગા અને ૧૦૮ ચોગ્ગા આવ્યા હતા. જયસ્વાલ ટેસ્ટમાં સૌથી ઝડપી ૧૦૦૦ રન બનાવનાર બીજા ભારતીય બેટ્સમેન બન્યા છે.