ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમના કેપ્ટન બેન સ્ટોક્સ રાજકોટમાં ઈતિહાસ રચી શકે છ

બીજી ટેસ્ટ મેચના 10 દિવસ બાદ રાજકોટમાં 15 ફેબ્રુઆરીથી ત્રીજી ટેસ્ટ મેચ શરુ થવા જઈ રહી છે. ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમના કેપ્ટન બેન સ્ટોક્સ રાજકોટની ધરતી પર મોટો ઈતિહાસ રચી શકે છે. જણાવી દઈએ કે 5 ટેસ્ટ મેચની સિરીઝ 1-1થી બરાબર છે.

ઈંગ્લેન્ડનો ટેસ્ટ ટીમનો કેપ્ટન બેન સ્ટોક્સ એક મોટી સિદ્ધિ હાંસલ કરવાની અણી પર છે. આ સિદ્ધિ હાંસલ કર્યા પછી, બેન સ્ટોક્સ સચિન તેંડુલકર, રિકી પોન્ટિંગ અને વિરાટ કોહલી જેવા ક્રિકેટરોની એક વિશિષ્ટ ક્લબમાં જોડાશે.

સ્ટોક્સ ઈંગ્લેન્ડ માટે 100 ટેસ્ટ મેચ રમવાથી એક મેચ દૂર છે અને એવી સંભાવના છે કે 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે શરૂ થઈ રહેલી ત્રીજી ટેસ્ટ તેની કારકિર્દીની 100મી ટેસ્ટ હશે.

જો સ્ટોક્સ રાજકોટમાં રમે છે, તો તે ટેસ્ટ ઈતિહાસમાં ઓછામાં ઓછી 100 ટેસ્ટ કેપ સાથે 74મો ટેસ્ટ ક્રિકેટર બનશે અને આ સિદ્ધિ હાંસલ કરનાર ઈંગ્લેન્ડનો 16મો ક્રિકેટર બનશે.

બેન સ્ટોક્સની ઈંગ્લેન્ડ માટે શાનદાર કારકિર્દી રહી છે. ઈંગ્લેન્ડ માટે બેન સ્ટોક્સે 6251 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેની એવરેજ 36.34 છે અને તેણે 13 સદી અને 31 અડધી સદી ફટકારી છે. આ સાથે જ તેના નામે 197 ટેસ્ટ વિકેટ પણ છે.

હાલમાં તે ઘૂંટણની સર્જરીમાંથી સ્વસ્થ થયા બાદ બોલિંગ કરી રહ્યો નથી. તેણે 32.07ની એવરેજથી ટેસ્ટ વિકેટ લીધી છે, જેમાં આઠ ચાર-વિકેટ હૉલ અને ચાર પાંચ-વિકેટ હૉલનો સમાવેશ થાય છે.