ઈંગ્લેન્ડની સંસદમાં મણિપુરનો મુદ્દો ગુંજ્યો: હિંસામાં ચર્ચો પણ સળગાવવામાં આવી રહ્યા છે, ૧૦૦થી વધુ લોકોના મોત થયા

  • ઈંગ્લેન્ડના ચર્ચ પાસેથી મદદ માંગવામાં આવી.

લંડન, મણિપુરમાં ૩ મેના રોજ શરૂ થયેલી બે સમુદાયો વચ્ચેની હિંસા હજુ પણ ચાલુ છે. આ દરમિયાન યુકેની સંસદમાં પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. ધાર્મિક સ્વતંત્રતા માટે બ્રિટનના વિશેષ રાજદૂત અને સાંસદ ફિયોના બ્રુસે ગુરુવારે બીબીસી પર મણિપુર હિંસાની યોગ્ય રીતે રિપોર્ટિંગ ન કરવાનો આરોપ લગાવ્યો હતો. બ્રિટનના નીચલા ગૃહમાં બ્રુસે સવાલકર્યો હતો કે, મણિપુરમાં મે મહિનાથી અત્યાર સુધીમાં કેટલાય ચર્ચ સળગાવવામાં આવ્યા છે, ૧૦૦થી વધુ લોકો માર્યા ગયા છે. ૫૦ હજારથી વધુ લોકોને ઘર છોડવું પડ્યું છે. માત્ર ચર્ચ જ નહીં પરંતુ તેમની સાથે જોડાયેલી શાળાઓને પણ નિશાન બનાવવામાં આવી છે. બ્રુસે કહ્યું કે તે સ્પષ્ટ છે કે આ બધું આયોજન હેઠળ કરવામાં આવી રહ્યું છે અને આ હુમલાઓમાં ધર્મ એક મોટું પરિબળ છે.

બ્રુસે કહ્યું કે મણિપુરમાં લોકો મદદ માટે બૂમો પાડી રહ્યા છે. તેણે પૂછ્યું છે કે ચર્ચ ઓફ ઈંગ્લેન્ડ તે લોકો પર ધ્યાન આપવા માટે શું કરી શકે છે. બ્રુસે આ બધી વાત આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા પર બનેલા રિપોર્ટના આધારે કહી છે. જે બીબીસીમાં કામ કરતા રિપોર્ટર ડેવિડ કેમ્પનેલે બનાવ્યું હતું.

એન્ડૂ સેલસ નામના અન્ય સાંસદે બ્રિટિશ સંસદમાં મણિપુરનો મુદ્દો ઉઠાવવા બદલ બ્રુસની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે બ્રુસે આ મુદ્દાને સંસદના ધ્યાન પર લાવીને ઘણું સારું કામ કર્યું છે. મારી જેમ, તે પણ ઇચ્છે છે કે બીબીસી અને અન્ય મીડિયા સંસ્થાઓ આ મુદ્દા પર યોગ્ય રીતે અહેવાલ આપે. એન્ડૂએ કહ્યું કે મને આશા છે કે કેન્ટરબરીના આર્ચબિશપ આ મુદ્દા પર ધ્યાન આપશે.

ભારતમાં અમેરિકાના રાજદૂતે મણિપુરમાં મહિલાઓની નગ્ન હાલતમાં ફેરવવાના વીડિયો પર કહ્યું કે આ ભારતનો આંતરિક મામલો છે. વોશિંગ્ટનમાં એક કાર્યક્રમ દરમિયાન તેમને મણિપુરની સ્થિતિ વિશે પૂછવામાં આવ્યું હતું. તેના પર તેણે કહ્યું કે તે જ્યાં પણ આવી હિંસક ઘટનાઓ જુએ છે ત્યાં તેને દુ:ખ થાય છે. ગારસેટ્ટીએ કહ્યું- મેં હજુ સુધી વીડિયો જોયો નથી. એક માણસ તરીકે મારી સહાનુભૂતિ ભારતના લોકો સાથે છે.

અગાઉ ૬ જુલાઈના રોજ અમેરિકાએ પણ મણિપુરમાં થયેલી હિંસા પર ચિંતા વ્યક્ત કરી હતી. ત્યારે એરિક ગારસેટ્ટીએ કહ્યું છે કે જો ભારત મદદ માંગે તો અમે તેના માટે તૈયાર છીએ. તેમણે કહ્યું- અમે જાણીએ છીએ કે આ ભારતનો આંતરિક મામલો છે, અમે વહેલી તકે શાંતિની અપેક્ષા રાખીએ છીએ.

તેમણે કહ્યું હતું કે મણિપુરની સ્થિતિને લઈને અમને કોઈ વ્યૂહાત્મક ચિંતા નથી, અમે લોકો માટે ચિંતિત છીએ. મણિપુરના બાળકો અને ત્યાં મરી રહેલા લોકો માટે ચિંતા વ્યક્ત કરવા માટે કોઈ ભારતીય હોવું જરૂરી નથી. મહિલાઓને નિર્વસ્ત્ર કરીને પરેડ કરાવવાનો વીડિયો બહાર આવ્યા પછી સમગ્ર દેશ સ્તબ્ધ છે. છેલ્લા અઢી મહિનાથી હિંસક અને નૃશંસ તોફાનોથી કણસતા મણિપુરમાં સૌથી વધુ પીડા મહિલાઓને ભોગવવી પડી છે. રાજ્યમાં રોજ લગભગ ૧૦૦ ફરિયાદ દાખલ કરાય છે. ૩ મેથી ૨૮ જૂન સુધીના આંકડા પ્રમાણે મણિપુરમાં ૫,૯૬૦ એફઆરઆઇ દાખલ કરાઈ છે, તેમાંથી ૧,૭૭૧ ફરિયાદ ઝીરો એફઆઇઆર તરીકે દાખલ કરાઈ છે. એનસીઆરબીના આંકડા પ્રમાણે મણિપુરમાં ૨૦૧૯માં ૨૮૩૦, ૨૦૨૦માં ૨૩૪૯ અને ૨૦૨૧માં ૨૪૮૪ એફઆરઆઇ દાખલ થઈ હતી.