
મુંબઈ, ભારતે અત્યાર સુધીની સૌથી મોટી ટેસ્ટ જીત હાંસલ કરી હતી જયારે ઇંગ્લેન્ડ ૯૦ વર્ષ બાદ આટલા મોટા રન માર્જીનથી પરાસ્ત થયું હતું. ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલની બેટની ધમાલ તથા લોકલ બોય રવિન્દ્ર જાડેજાની બોલથી કમાલના પરિણામે ભારત ઐતિહાસિક વિજય હાંસલ કરી શકયું હતું અને ચોથા દિવસે જ મેચ ખત્મ થઇ ગયો હતો. ઇંગ્લેન્ડ બીજા દાવમાં પુરી ૪૦ ઓવર પણ રમી શકયું ન હતું.
રાજકોટ ટેસ્ટમાં ચોથા દિવસની રમતમાં ભારતે પ્રવાસી ટીમ ઇંગ્લેન્ડને જીતવા માટે ૫૫૭ રનનો ટાર્ગેટ આપ્યો હતો પરંતુ આખી ટીમ ૩૯.૪ ઓવરમાં ૧૨૨ રનમાં તંબુ ભેગી થઇ ગઇ હતી અને આ સાથે ભારતે ટેસ્ટ ઇતિહાસની સૌથી મોટી જીત હાંસલ કરી હતી. પાંચ ટેસ્ટ મેચની સીરીઝમાં ભારત ૨-૧થી આગળ થઇ ગયું છે. સુપર સન્ડે નિવડેલા ચોથા દિવસે રીટાયર્ડ હર્ટ, યશસ્વી જયસ્વાલ ફરી દાવ લેવા મેદાને ઉતર્યો હતો અને આક્રમક બેટીંગ સાથે બેવડી સદી ફટકારી હતી. ૨૧૪ રને નોટઆઉટ હતો
ત્યારે ભારતીય કપ્તાન રોહિત શર્માએ ૪૩૦ રનના જુમલે બીજો દાવ ડિકલેર કરી લીધો હતો. જયસ્વાલે ૨૩૪ દડામાં ૧૪ ચોકકા અને ૧૨ છગ્ગા ફટકાર્યા હતા આ સાથે તેેણે એક ઇનિંગમાં સૌથી વધુ સિક્સ ફટકારવાનો રેકર્ડ સર્જી દીધો હતો. અત્યાર સુધી આ રેકર્ડ નવજોતસિંઘ સિધુના નામે હતો તેને એક ઇંનિંગમાં આઠ સિક્સર ફટકારી હતી. જયસ્વાલની બેટીંગ ધમાલ બાદ જાડેજાની બોલીંગ કમાલ જામી હતી. જાડેજાએ ઇંગ્લેન્ડના બીજા દાવમાં પાંચ વિકેટ ખેડવી નાંખી હતી.
૫૫૭ રનના વિશાળ જીત ટાર્ગેટ સામે મેદાને પડેલ ઇંગ્લેન્ડની ટીમ શરૂઆતથી જ ફસકી ગઇ હતી. પ્રથમઇનિંગમાં સદી ફટકારનાર બેન ડકેટ ટુંકો રન લેવાના પ્રયાસમાં રન આઉટ થઇ ગયો હતો અને માત્ર ચાર રન બનાવ્યા હતા. ત્યારબાદ બીજો ઓપનર ક્રાઉલીને બુમરાહે પેવેલીયનમાં પાછો મોકલ્યો હતો. આ પછી રવિન્દ્ર જાડેજાએ કમાલ શરૂ કરી હોય તેમ વનડાઉન પોપને ૩ રને તથા બેરસ્ટોને ૪ રને પેવેલીયનમાં પાછા મોકલી દીધા હતા. ઇંગ્લેન્ડની એક પછી એક વિકેટો નિયમિત અંતરે પડવા લાગી હતી. બેન સ્ટોક ૧૫, પોપ ૧૬, રેહાન અહેમદ શૂન્ય, હાર્ટલી ૧૬ રને આઉટ થયા હતા.
માર્ક વુડે છેલ્લી વિકેટમાં આક્રમક બેટીંગ કરીને ૩૩ રન ફટકાર્યા હતા અને છેવટે જાડેજાએ જ તેનો શિકાર કરીને પોતાની પાંચ વિકેટ પૂર્ણ કરી હતી. રસપ્રદ વાત એ છે કે ઇંગ્લેન્ડના બીજા દાવમાં સૌથી વધુ ૩૩ રન માર્ક વુડના થયા હતા બાકીના એક પણ બેટસમેન ૨૦ રનના આંકડાને પણ આંબી શકયા ન હતા. ૩૧ રનની પાર્ટનરશીપ પણ માર્ક વુડ અને એન્ડરસનની અંતિમ જોડીએ કરી હતી. આ પૂર્વે આઠમી વિકેટની જોડીએ સૌથી મોટી ૩૨ રનની ભાગીદારી કરી હતી.
ભારત વતી બોલરોએ કમાલ કરી હતી. સૌથી વધુ પાંચ વિેકેટ જાડેજાએ કરી લીધી હતી જયારે બુમરાહે ૧, કુલદીપ યાદવે ૨ અને અશને ૧ વિકેટ લીધી હતી. ભારતે ઇંગ્લેન્ડ સામે આ ૩૩મો વિજય હાંસલ કર્યો છે અને કોઇપણ હરીફ ટીમ સામે સૌથી વધુ વિજયનો આ એક રેકોર્ડ બન્યો છે. આ સિવાય રાજકોટ ટેસ્ટમાં ભારત દ્વારા કુલ ૨૮ સિક્સર ફટકારવામાં આવી હતી તે પણ એક રેકોર્ડ છે. આ પૂર્વે ભારતે જ ૨૦૧૯માં દક્ષિણ આફ્રિકા સામે ૨૭ સિક્સર ફટકારી હતી. ભારતે બીજા દાવમાં જ ૧૮ સિક્સર ફટકારી હતી. વર્તમાન ટેસ્ટ શ્રેણીમાં ભારતે અત્યાર સુધીમાં ૪૮ સિક્સર ફટકારી છે તે પણ એક રેકોર્ડ છે.