ઇંગ્લેન્ડ અને સરે કાઉન્ટીના મહાન ક્રિકેટર ગ્રેહામ થોર્પનું સોમવારે ૫૫ વર્ષની વયે એક ગંભીર બીમારીને કારણે નિધન થયું હતું. તેઓ છેલ્લા બે વર્ષથી બીમાર રહેતા હતા. ૧૯૬૯ની પહેલી ઓગસ્ટે જન્મેલા થોર્પનું ૨૦૨૪ની પાંચમી ઓગસ્ટે નિધન થયું હતું. ઇંગ્લેન્ડની વર્તમાન પેઢીના સર્વશ્રેષ્ઠ બેટ્સમેન તરીકે નામના હાંસલ કરી ચૂકેલા ગ્રેહામ થોર્પને ૨૦૨૨માં અફઘાનિસ્તાનની ટીમના ચીફ કોચ તરીકે નિયુક્ત કરાયા તેના થોડા જ સમયમાં તેમને હોસ્પિટલમાં ભરતી કરાયા હતા અને ત્યાર બાદ તેઓ સ્વસ્થ રહી શક્યા ન હતા.
તેમને અંગ્રેજ સરકાર તરફથી એમબીઈની પદવી પણ પ્રદાન કરવામાં આવી હતી. ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે તેમના નિધન અંગે નિવેદન પ્રગટ કર્યું હતું જેમાં જણાવવામાં આવ્યું હતું કે ગ્રેહામ થોર્પના નિધન અંગે તમામને આઘાત લાગ્યો છે અને તે શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. તેઓ ઇંગ્લેન્ડના સર્વશ્રેષ્ઠ બેટ્સમેન પૈકીના એક હતા અને સમગ્ર વિશ્ર્વમાં તેમના સમર્થકો હતા.
ગ્રેહામ થોર્પે ૧૯૯૩માં તેમની ટેસ્ટ કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો અને એશિઝ સિરીઝમાં સદી ફટકારી હતી. તેમણે પર્થ ખાતે ૧૯૯૫માં ફરી એક વાર એશિઝ ટેસ્ટમાં સદી ફટકારી હતી. ૨૦૦૦-૦૧માં ઇંગ્લેન્ડે પાકિસ્તાન અને શ્રીલંકા સામે ઉપરા ઉપરી બે ટેસ્ટ સિરીઝ જીતી તેમાં થોર્પે અમૂલ્ય યોગદાન આપ્યું હતું.
મિડલ ઓર્ડર બેટિંગમાં શાનદાર ભૂમિકા અદા કરનારા ગ્રેહામ થોર્પ ઇંગ્લેન્ડ માટે ૧૯૯૩થી ૨૦૦૫ દરમિયાન ૧૦૦ ટેસ્ટ રમ્યા હતા જેમાં તેમણે ૪૪.૬૬ની સરેરાશથી ૬૭૪૪ રન અને ૧૬ સદી ફટકારી હતી. માર્ચ ૨૦૦૨માં ન્યૂઝીલેન્ડ સામે ક્રાઇસ્ટચર્ચમાં થોર્પે પોતાની કારકિર્દીનો સર્વોચ્ચ સ્કોર નોંધાવતાં અણનમ ૨૦૦ રન ફટકાર્યા હતા જે તેમનો સર્વોચ્ચ ટેસ્ટ સ્કોર રહ્યો હતો.
આ જ રીતે વન-ડેમાં પણ થોર્પે શાનદાર પ્રદર્શન કરીને ૮૨ મેચમાં ૨૮૩૦ રન ફટકાર્યા હતા. કાઉન્ટી ક્રિકેટમાં પણ ગ્રેહામ થોર્પે શાનદાર સફળતા હાંસલ કરી હતી. સરે કાઉન્ટી માટે ૧૭ વર્ષ સુધી રમીને થોર્પે ૨૦ હજારથી વધારે રન ફટકાર્યા હતા. ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ થોર્પે કોચિંગ કારકિર્દી અપનાવી હતી. તેમણે ઓસ્ટ્રેલિયામાં ન્યૂ સાઉથ વેલ્સ ટીમને કોચિંગ આપ્યું હતું અને એ ટીમના ખેલાડીઓમાં સ્ટિવ સ્મિથ તથા ડેવિડ વોર્નર જેવા ખેલાડીઓ સામેલ હતા. ત્યાર બાદ ૨૦૧૦માં તેઓ ઇંગ્લેન્ડની ટીમના બેટિંગ કોચ બન્યા હતા. માર્ચ ૨૦૨૦માં તેઓ અફઘાનિસ્તાનની ટીમના કોચ તરીકે નિયક્ત થયા હતા પરંતુ બીમારીને કારણે કામગીરી શરૂ કરી શક્યા ન હતા.