મુંબઇ, આઇપીએલની આ સિઝન ચાહકો માટે મનોરંજનથી ભરપૂર છે. ચાહકોને આ સિઝનમાં ઘણા ચોગ્ગા અને છગ્ગા જોવા મળી રહ્યા છે પરંતુ આ વખતે અમ્પાયરો પ્રશ્ર્નના ઘેરામાં હોય તેવું લાગી રહ્યું છે. અમ્પાયરોએ આ સિઝનમાં આવા ઘણા નિર્ણયો આપ્યા છે જેના પર ભારે હોબાળો થયો છે. આશ્ર્ચર્યની વાત એ છે કે આ વખતે થર્ડ અમ્પાયરો પણ કેટલાક વિવાદાસ્પદ નિર્ણયો આપતા જોવા મળ્યા છે.
રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાયેલી મેચમાં અમ્પાયરિંગ સંબંધિત નવો વિવાદ સામે આવ્યો છે. આ વિવાદ સંજુ સેમસનની વિકેટને લઈને થયો હતો. મેચની ૧૬મી ઓવરમાં તેણે મુકેશ કુમારના બોલ પર મોટો સ્ટ્રોક માર્યો હતો, જે બાઉન્ડ્રી લાઇન પર ઉભેલા શાઈ હોપના હાથે કેચ થયો હતો. તે સમયે શાઈ હોપ બાઉન્ડ્રીની ખૂબ નજીક આવી ગયા હતા અને આવી સ્થિતિમાં આ નિર્ણય માટે થર્ડ અમ્પાયરોની મદદ લેવામાં આવી હતી.
થર્ડ અમ્પાયરે ચેક કર્યું અને પછી સેમસનને આઉટ જાહેર કર્યો. આશ્ર્ચર્યની વાત એ હતી કે થર્ડ અમ્પાયરે આ નિર્ણય આપવામાં વધુ સમય લીધો ન હતો. તે જ સમયે, સોશિયલ મીડિયા પર ઘણા ફોટા અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં શાઈ હોપ બાઉન્ડ્રી દોરડાને સ્પર્શ કરતા જોવા મળે છે અને બોલ હજુ પણ તેના હાથમાં છે.
આઇપીએલ ૨૦૨૪ની ૪૮મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ આમને-સામને હતા. આયુષ બદોનીના રન આઉટને લઈને આ મેચમાં ઘણો હોબાળો થયો હતો. બદોનીએ મેચની ૧૯મી ઓવરમાં ડબલ રન લેવાનો પ્રયાસ કર્યો હતો. ઇશાન કિશન પ્રથમ પ્રયાસમાં સ્ટમ્પ આઉટ કરવામાં નિષ્ફળ ગયો અને જ્યારે તેણે ફરીથી આવું કર્યું ત્યારે બેટ્સમેન પહેલેથી જ ક્રીઝ પર પહોંચી ગયો હતો. પરંતુ થર્ડ અમ્પાયરે તેને આઉટ આપ્યો હતો. માત્ર લખનૌ જ નહીં પરંતુ ઘણા પૂર્વ ખેલાડીઓ પણ આ નિર્ણયથી નારાજ હતા.
આઇપીએલ ૨૦૨૪ ની ૪૦મી મેચમાં દિલ્હી કેપિટલ્સનો ઓપનર પૃથ્વી શો કેચ આઉટ થયો હતો. જો કે તેની વિકેટ પર પણ વિવાદ થયો હતો. ચાહકોનો આરોપ છે કે પૃથ્વી શૉને થર્ડ અમ્પાયરે ખોટી રીતે આઉટ આપ્યો હતો. શો નૂર અહેમદના હાથે કેચ આઉટ થયો હતો. પરંતુ જ્યારે આ ખેલાડીએ શૉનો કેચ પકડ્યો ત્યારે એવું લાગતું હતું કે જાણે બોલનો સંપર્ક જમીન સાથે થઈ ગયો હતો. આ પછી મેદાન પરના અમ્પાયરે નિર્ણય થર્ડ અમ્પાયરને મોકલ્યો. પરંતુ થર્ડ અમ્પાયરે પૃથ્વી શોને આઉટ જાહેર કર્યો હતો. આ સિવાય અમ્પાયરોએ આ સિઝનમાં ઘણા વિવાદાસ્પદ નિર્ણયો આપ્યા છે, જેમાં વાઈડ બોલના ઘણા નિર્ણયો સામેલ છે.