બેંગલોર: ભારતીય ટીમે સૌથી રોમાંચક ટી૨૦ મેચમાં બીજી સુપર ઓવરમાં અફઘાનિસ્તાનને ૧૦ રને પરાજય આપ્યો છે. આ સાથે ભારતે ૩ મેચની સિરીઝ ૩-૦થી કબજે કરી લીધી છે. બેંગલુરૂમાં રમાયેલી અંતિમ ટી૨૦ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા ૨૦ ઓવરમાં ૪ વિકેટે ૨૧૨ રન ફટકાર્યા હતા. જેના જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૨૧૨ રન બનાવતા મેચ ટાઈ થઈ હતી. ત્યારબાદ સુપર ઓવર રમાઈ હતી. પ્રથમ સુપર ઓવરમાં બંને ટીમે ૧૬-૧૬ રન બનાવતા ફરી ટાઈ થઈ હતી. ત્યારબાદ ભારતે બીજી સુપર ઓવરમાં અફઘાનિસ્તાનને હરાવ્યું હતું.
ભારતે બીજી સુપર ઓવરમાં ૫ બોલમાં બે વિકેટ ગુમાવી ૧૧ રન બનાવ્યા હતા અને અફઘાનિસ્તાનને જીત માટે ૧૨ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં અફઘાનિસ્તાને ૧ રનમાં ૨ વિકેટ ગુમાવી દીધી હતી. જેથી ભારતનો ૧૦ રને વિજય થયો હતો. બીજી સુપર ઓવરમાં ભારત તરફથી રવિ બિશ્ર્નોઈએ બોલિંગ કરી હતી અને ત્રણ બોલમાં બે વિકેટ ઝડપી લીધી હતી.
પ્રથમ સુપર ઓવરમાં અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરતા ૧૬ રન બનાવ્યા હતા. ત્યારબાદ ભારત તરફથી રોહિત શર્મા અને જયસ્વાલ મેદાનમાં આવ્યા હતા. ભારતે પણ સુપર ઓવરમાં ૧૬ રન બનાવતા સુપર ઓવર ટાઈ રહી હતી.
ભારતે આપેલા મોટા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી અફઘાનિસ્તાન ટીમને બંને ઓપનરે સારી શરૂઆત અપાવી હતી. ગુરબાઝે ૩૨ બોલમાં ૩ ચોગ્ગા અને ચાર સિક્સ સાથે ૫૦ રન બનાવ્યા હતા. જ્યારે ઇબ્રાહિમ ઝાદરાને ૪૧ બોલમાં ૫૦ રન બનાવ્યા હતા. ઓમરઝઈ શૂન્ય રન બનાવી સુંદરનો શિકાર બન્યો હતો.
મોહમ્મદ નબીએ ૧૬ બોલમાં ૩ સિક્સ અને બે ફોર સાથે ૩૪ રન બનાવ્યા હતા. કરિમ જનત ૨ રન બનાવી રનઆઉટ થયો હતો. જ્યારે નજીબુલ્લાહ ઝાદરાનને ૫ રન પર આવેશ ખાને આઉટ કર્યો હતો. ગુલબદ્દીન નાયબે ૨૩ બોલમાં ૪ ચોગ્ગા અને ચાર સિક્સ સાથે અણનમ ૫૫ રન બનાવ્યા હતા. ગુલબદ્દીનની ઈનિંગની મદદથી અફઘાનિસ્તાનની ટીમ મેચ ટાઈ કરાવવામાં સફળ રહી હતી.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ટીમ ઈન્ડિયાએ ૨૨ રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. યશસ્વી જાયસવાલ (૪), વિરાટ કોહલી (૦) અને સંજૂ સેમસન (૧) ફરીદ અહમદના શિકાર બન્યા હતા. જ્યારે શિવમ દુબે ૧ રન બનાવી અઝમાતુલ્લાહની ઓવરમાં આઉટ થયો હતો.
એક સમયે ભારતીય ટીમ મુશ્કેલીમાં હતી. પરંતુ પ્રથમ બે ટી૨૦ મેચમાં શૂન્ય પર આઉટ થયેલા રોહિતે ટીમને સંભાળી હતી. રોહિત શર્માએ ધીમી શરૂઆત આક્રમક વલણ અપનાવ્યું હતું. રોહિતે પોતાના ટી૨૦ કરિયરની પાંચમી સદી ફટકારી હતી. રોહિત ટી૨૦ આંતરરાષ્ટ્રીયમાં પાંચ સદી ફટકાનાર પ્રથમ બેટર બની ગયો છે. રોહિત શર્માએ ૬૯ બોલમાં ૧૧ ચોગ્ગા અને ૮ સિક્સ સાથે અણનમ ૧૨૧ રન બનાવ્યા હતા.
ભારતીય ટીમે ૨૨ રનમાં ચાર વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ રોહિત શર્મા અને રિંકુ સિંહે પાંચમી વિકેટ માટે રેકોર્ડ ૧૯૦ રનની ભાગીદારી કરી હતી. રિંકુ સિંહ ૩૯ બોલમાં ૨ ચોગ્ગા અને છ છગ્ગા સાથે ૬૯ રન બનાવી અણનમ રહ્યો હતો. રોહિત અને રિંકુની શાનદાર બેટિંગની મદદથી ભારતીય ટીમ ૨૦૦થી વધારે રન બનાવવામાં સફળ રહી હતી.