ઈલેક્ટોરલ બોન્ડ કેસમાં એસબીઆઇ વિરુદ્ધ કન્ટેમ્પ્ટ પિટિશન, સુપ્રીમ ૧૧ માર્ચે સુનાવણી કરશે

નવીદિલ્હી,એક બિન-સરકારી સંસ્થા (એનજીઓ)એ સુપ્રીમ કોર્ટમાં એક અવમાનની અરજી દાખલ કરી, જેમાં રાજકીય પક્ષો દ્વારા રોકાયેલા દરેક ચૂંટણી બોન્ડની વિગતો જાહેર કરવા માટે ૩૦ જૂન સુધીનો સમય વધારવાની માગણી કરતી સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાની અરજીને પડકારવામાં આવી છે.

એડીઆરએ ઈલેક્ટોરલ બોન્ડ કેસમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સામે સુપ્રીમ કોર્ટમાં તિરસ્કારની અરજી દાખલ કરી છે. સુપ્રીમ કોર્ટે એનજીઓનું પ્રતિનિધિત્વ કરતા વકીલ પ્રશાંત ભૂષણને ઈ-મેલ મોકલવા કહ્યું અને ૧૧ માર્ચે અવમાનના અરજીની યાદી આપવાનું આશ્ર્વાસન આપ્યું.

ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેંચે એનજીઓ એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) વતી કોર્ટમાં હાજર રહેલા વકીલ પ્રશાંત ભૂષણની અરજીની નોંધ લીધી હતી કે તેઓ આ કેસમાં તિરસ્કારની કાર્યવાહી શરૂ કરવા માગે છે.

ભૂષણે જણાવ્યું હતું કે એસબીઆઇની અરજી ૧૧ માર્ચે લિસ્ટ થવાની સંભાવના છે અને અવમાનના અરજીની પણ એક્સાથે સુનાવણી થવી જોઈએ.સીજેઆઇ એ કહ્યું, કૃપા કરીને ઈમેલ મોકલો. હું ઓર્ડર પાસ કરીશ.એસબીઆઇએ ૪ માર્ચે સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી હતી અને ચૂંટણી બોન્ડની વિગતો જાહેર કરવા ૩૦ જૂન સુધી લંબાવવાની માંગ કરી હતી. સુપ્રીમ કોર્ટે ગયા મહિને પોતાના ચુકાદામાં એસબીઆઇને ૬ માર્ચ સુધીમાં ચૂંટણી પંચને વિગતો સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

એસબીઆઈએ આ માનનીય અદાલતની બંધારણીય બેંચ દ્વારા પસાર કરાયેલા ચુકાદાનો જાણી જોઈને અનાદર કર્યો છે, અને આ માત્ર નાગરિકોના માહિતીના અધિકારને નકારે છે, પરંતુ આ માનનીય અદાલતની સત્તાને પણ નબળી પાડે છે, એડીઆરના વકીલે જણાવ્યું હતું.