મુંબઇ, આઇપીએલ ૨૦૨૪ ની ૫૦મી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. હૈદરાબાદે રાજસ્થાનને જીતવા માટે ૨૦૨ રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ મેચમાં એ સમયે વિવાદ સર્જાયો જ્યારે ટ્રેવિસ હેડને નોટઆઉટ આપવામાં આવ્યો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ખરેખર આવેશ ખાને સનરાઇઝર્સ હૈદરાબાદની ઇનિંગ્સની ૧૫મી ઓવર ફેંકી હતી. આ ઓવરના ત્રીજા બોલ પર ટ્રેવિસ હેડ ક્રિઝની બહાર આવ્યો અને મોટો શોટ ફટકારવા ગયો. જોકે, બોલ અને બેટ વચ્ચે કોઈ સંપર્ક નહોતો. બોલ વિકેટકીપર સંજુ સેમસન પાસે ગયો. સંજુએ બોલ પકડીને સ્ટ્રાઈકર એન્ડ પર વિકેટમાં થ્રો કર્યો. બોલ સીધો સ્ટમ્પ પર ગયો. ફિલ્ડ અમ્પાયરે ત્રીજા અમ્પાયર તરફ ઈશારો કર્યો. આ પછી અમ્પાયરે રિપ્લે જોયું અને ટ્રેવિસ હેડને નોટઆઉટ આપવામાં આવ્યો. જ્યારે રિપ્લે જોતા તે સ્પષ્ટ હતું કે ટ્રેવિસ હેડનું બેટ હવામાં હતું.
કોમેન્ટ્રી કરી રહેલા પૂર્વ ભારતીય ક્રિકેટર ઈરફાન પઠાણે આ મામલે તાત્કાલિક ટીકા શરૂ કરી. તેણે આ ઘટનાને થર્ડ ક્લાસ અમ્પાયરિંગ ગણાવતાં કહ્યું કે અમ્પાયરે પછીની ફ્રેમ પણ જોવાની જરૂર હતી. ત્યાર પછી આ રનઆઉટને લઈને વિવાદ થયો હતો.
રાજસ્થાન રોયલ્સના કોચ કુમાર સંગાકારા મેદાનની બહાર અમ્પાયર સાથે દલીલ કરતા જોવા મળ્યા હતા. એવું લાગી રહ્યું હતું કે તે અમ્પાયરના નિર્ણયથી ખુશ નથી. તે જ સમયે, આવેશે બીજા જ બોલ પર ટ્રેવિસ હેડને બોલ્ડ કર્યો. ટ્રેવિસ હેડે ૪૪ બોલમાં ૫૮ રન બનાવ્યા જેમાં ૬ ફોર અને ૩ સિક્સ સામેલ હતી.