એક વર્ષમાં લગભગ ૯૭ હજાર ભારતીયો ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચ્યા છે

વોશિગ્ટન, યુએસ કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શન ડેટા અનુસાર, ઓક્ટોબર ૨૦૨૨ થી સપ્ટેમ્બર ૨૦૨૩ વચ્ચે ૯૬,૯૧૭ ભારતીયો ગેરકાયદેસર રીતે યુએસમાં પ્રવેશ્યા છે. આંકડા અનુસાર, ગયા વર્ષે ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશતા પકડાયેલા ભારતીયોની સંખ્યામાં પાંચ ગણો વધારો થયો છે. વર્ષ ૨૦૧૯-૨૦માં ૧૯,૮૮૩ ભારતીયો ગેરકાયદેસર રીતે યુએસ સરહદમાં પ્રવેશતા ઝડપાયા હતા.

જ્યારે વર્ષ ૨૦૨૦-૨૧માં આ આંકડો ૩૦,૬૬૨ હતો અને ૨૦૨૧-૨૨માં ૬૩,૯૨૭ હતો. ઓક્ટોબર ૨૦૨૨ થી સપ્ટેમ્બર ૨૦૨૩ ની વચ્ચે આ આંકડો વધીને ૯૬,૯૧૭ થયો છે. ગયા વર્ષે પકડાયેલા કુલ લોકોમાંથી ૩૦,૦૧૦ કેનેડા બોર્ડર પર અને ૪૧,૭૭૦ મેક્સિકો બોર્ડર પર પકડાયા હતા. પકડાયેલા ભારતીયોને ચાર કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે, જેમાં સાથે ન હોય તેવા સગીર, પરિવારના સભ્ય, એકલ પુખ્ત અને સાથે ન હોય તેવા બાળકોનો સમાવેશ થાય છે. ધરપકડ કરાયેલા લોકોની સૌથી વધુ સંખ્યા સિંગલ પુખ્ત છે.

અમેરિકી સેનેટર જેમ્સ લેક્ધફોર્ડે મોટી સંખ્યામાં ગેરકાયદેસર રીતે અમેરિકા આવતા લોકો પર ચિંતા વ્યક્ત કરી હતી. લેક્ધફોર્ડે કહ્યું કે લોકો ઘણી ફ્લાઈટ્સ બદલીને મેક્સિકો પહોંચે છે અને પછી ત્યાંની ગેંગ તેમને ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરાવે છે. તેમણે કહ્યું કે દુનિયાભરમાંથી લોકો ગેરકાયદેસર રીતે અમેરિકા આવી રહ્યા છે અને અમારી સિસ્ટમનું શોષણ કરી રહ્યા છે અને તેને અંકુશમાં લેવા માટે નીતિ બનાવવી ખૂબ જ જરૂરી છે.