ઇંગ્લેન્ડ સામેની T20 સિરીઝમાં ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનું કમબેક થયું છે. તે ODI વર્લ્ડ કપ ફાઇનલના 14 મહિના પછી એક ઈન્ટરનેશનલ મેચ રમશે. જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજને આરામ આપવામાં આવ્યો છે. બીસીસીઆઈએ શનિવારે રાત્રે ટીમ યાદી જાહેર કરી. અક્ષર પટેલને ટીમનો વાઇસ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે, સૂર્યકુમાર યાદવ ટીમની કેપ્ટનશિપ કરશે.
રિષભ પંતને સ્થાન મળ્યું નથી, તેની જગ્યાએ ધ્રુવ જુરેલ બેકઅપ વિકેટકીપર રહેશે. વોશિંગ્ટન સુંદર અને નીતિશ કુમાર રેડ્ડીને પણ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું. T20 શ્રેણીની પહેલી મેચ 22 જાન્યુઆરીએ રમાશે. 3 વનડે મેચની સિરીઝ 6 ફેબ્રુઆરીથી શરૂ થશે. ODI સિરીઝ અને ચેમ્પિયન્સ ટ્રોફી માટેની ટીમની જાહેરાત કરવામાં આવી નથી.
ટીમ પસંદગીની મુખ્ય વાતો…
- મોહમ્મદ શમી 14 મહિના બાદ વાપસી કરી રહ્યો છે. તેણે ભારત માટે તેની છેલ્લી મેચ 19 નવેમ્બર 2023ના રોજ રમી હતી. જો સિરીઝમાં તે પોતાની ફિટનેસ સાબિત કરે છે તો ચેમ્પિયન્સ ટ્રાફી માટે ભારતીય ટીમમાં સામેલ થવાની સંભાવના વધી જશે.
- ભારતીય ટીમમાં શિવમ દુબે, જિતેશ શર્મા, રિષભ પંત અને આવેશ ખાનને જગ્યા મળી નથી. રિયાન પરાગને પણ તક મળી નથી. જ્યારે ધ્રુવ જુરેલ અને હર્ષિત રાણાને જગ્યા મળી છે. આનો અર્થ એ થયો કે પસંદગીકારોએ ભારતીય ટીમમાં બેટિંગ લાઇનઅપની ઊંડાઈ પર ભાર મૂક્યો છે. પેસ અને સ્પિન બોલિંગ માટેના વિકલ્પો પણ છે.
- સાઉથ આફ્રિકાથી T20 સિરીઝ જીતનાર ટીમનો હિસ્સો રહેલા રમનદીપ સિંહ, જિતેશ શર્મા, આવેશ ખાન, યશ દયાલ અને વિજય કુમારને તક નથી મળી.
શમીએ ઘરેલુ ક્રિકેટમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું શમી રણજી ટ્રોફીના રાઉન્ડ-1માં મધ્યપ્રદેશ સામેની બંગાળની મેચમાંથી ઈજા બાદ પરત ફર્યો હતો. તે સૈયદ મુશ્તાક અલી (T20) અને વિજય હજારે ટ્રોફી (ODI) પણ રમ્યો હતો, જેણે ભારતીય ટીમમાં તેના કમબેકની આશાઓ વધારી દીધી છે.
ગયા વર્ષે જાન્યુઆરીમાં પગની સર્જરી કરાવી હતી શમીએ જાન્યુઆરી-2024માં ઈંગ્લેન્ડમાં પગની ઘૂંટીની સર્જરી કરાવી હતી. છેલ્લા ઘણા મહિનાઓથી શમી બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિહેબ કેમ્પમાં હતો.
ભારતની T20 ટીમ- સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અક્ષર પટેલ (વાઇસ-કેપ્ટન), સંજુ સેમસન, અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, નીતિશ રેડ્ડી, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિ બિશ્નોઈ, વરુણ ચક્રવર્તી અને વોશિંગ્ટન સુંદર.