નવીદિલ્હી, પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો સામે આવી ગયા છે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢમાં ભાજપે સરકાર બનાવી છે અને તેલંગાણામાં કોંગ્રેસ તો મિઝોરમમાં ઝેડપીએમ પાર્ટી સત્તા પર આવી છે. પાંચ રાજયોમાંથી એક રાજ્યમાં કોંગ્રેસની સરકાર બની છે અને ત્યાં પણ હજુ મુખ્યમંત્રીનો કોણ બનશે એ વાત પર નિર્ણય થઈ શક્યો નથી.
તેલંગાણાના મુખ્યમંત્રી કોણ બનશે? આ પ્રશ્ર્ન હજુ લોકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે. વાત એમ છે કે નવા ચૂંટાયેલા ધારાસભ્યો વચ્ચે સર્વસંમતિના અભાવે અને કોંગ્રેસ નેતૃત્વ તરફથી કોઈ નિવેદન ન હોવાને કારણે સોમવારે શપથ ગ્રહણ સમારોહ થઈ શક્યો નહીં. દિવસની શરૂઆતમાં, નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠકે પક્ષ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને કોંગ્રેસ વિધાનમંડળ પક્ષના નેતાનું નામ આપવા માટે કહેવામાં આવ્યું હતું.
જો કે, સોમવારે મોડી રાત સુધી નેતૃત્વ તરફથી કોઈ જાહેરાત કરવામાં આવી ન હતી, જેના કારણે રાજ્ય એકમના પ્રમુખ એ. રેવંત રેડ્ડીના સમર્થકો નિરાશ થયા હતા.રેવંત રેડ્ડી સોમવારે સાંજે મુખ્યમંત્રી તરીકે શપથ લેશે તેવી ચર્ચા વચ્ચે રાજભવનમાં તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી. સામાન્ય વહીવટ વિભાગ અને પ્રોટોકોલના અધિકારીઓ રાજભવન પહોંચ્યા હતા અને દરબાર હોલમાં શપથ ગ્રહણ સમારોહ માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે, પાર્ટી તરફથી કોઈ સત્તાવાર નિવેદન ન આવવાને કારણે શપથ ગ્રહણ મોકૂફ રાખવું પડ્યું હતું.
અગાઉ, રાજ્યપાલ તમિલિસાઈ સુદરરાજને નવા મુખ્યમંત્રીના શપથ ગ્રહણનો માર્ગ મોકળો કરવા માટે વિધાનસભા ભંગ કરી હતી અને નવી વિધાનસભાની રચના માટે ગેઝેટ નોટિફિકેશન બહાર પાડ્યું હતું. રાજ્યપાલના કાર્યાલયમાંથી જારી કરાયેલા નિવેદન અનુસાર, મંત્રી પરિષદના પ્રસ્તાવ પર વિધાનસભા ભંગ કરવામાં આવી હતી. મુખ્ય ચૂંટણી અધિકારી વિકાસ રાજ અને ચૂંટણી પંચના સચિવ અવિનાશ કુમાર દ્વારા ચૂંટાયેલા ધારાસભ્યોની યાદી રાજ્યપાલને સુપરત કર્યા બાદ આ સૂચના જારી કરવામાં આવી હતી.
કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી અને એઆઇસીસી શિવકુમાર નવા ચૂંટાયેલા ધારાસભ્યોના મંતવ્યો હાઈકમાન્ડ સુધી પહોંચાડવા માટે દિલ્હી જવા રવાના થયા હતા. સીએલપી મીટિંગ પછી, તેઓ તમામ ૬૪ ધારાસભ્યોને અલગ-અલગ મળ્યા અને તેમના અભિપ્રાય લીધા. ધારાસભ્યોની બેઠકમાં સર્વસંમતિથી ઠરાવ પસાર કરીને ખડગેને નેતાનું નામ આપવા માટે અધિકૃત કરવામાં આવ્યા હતા. રેવંત રેડ્ડી ઉપરાંત અન્ય એક નામની પણ પાર્ટીમાં ચર્ચા ચાલી રહી છે હવે તેલંગાણા મુખ્યમંત્રી તરીકે કોની પસંદગી થશે તે જોવું રહ્યું..