એક માસથી પોતાના જ ઘરમાં બંધક વૃદ્ધાને અભયમની ટીમે મુક્ત કરાવ્યા

ભાવનગર, ભાવનગર શહેરમાં ૮૦ વર્ષના એક વૃદ્ધાને તેના જ સંતાનોને છેલ્લા એક મહિનાથી તેમના જ ઘરમાં બંધ કરી દીધા હતા. આડોશ પાડોશમાં રહેતા લોકો દ્વારા વૃદ્ધાને ભોજન તથા જરૂરી સામગ્રી આપવામાં આવતી હતી અને વૃદ્ધાને મુક્ત કરવા તેના સંતાનોને જાણ કરવામાં આવતી હતી. પરંતુ કોઈ પરિણામ નહિ મળતા અંતે આડોશ પાડોશમાં રહેતા લોકોએ મહિલા હેલ્પલાઇન ૧૮૧ અભયમને જાણ કરતા મહિલા હેલ્પલાઇનની ટીમે વૃદ્ધાને મુક્ત કરાવ્યા હતા.

શહેરમાં રહેતા એક ૮૦ વર્ષીય વૃદ્ધાને ગત તારીખ ૩૧ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ તેના દીકરા, પૌત્રી અને પૌત્રીના પતિએ તેમના જ ઘરમાં પૂરી દઈ બંધક બનાવી સંતાનો અન્ય જગ્યાએ રહેવા ચાલ્યા ગયા હતા. આડોશ પાડોશના લોકો દ્વારા વૃદ્ધાને મુક્ત કરાવવાના અનેક પ્રયત્નો કર્યા તથા આ સમયગાળા દરમિયાન વૃદ્ધાને જમવાનું અને અન્ય જરૂરી વસ્તુઓ બારીએથી આડોશ પાડોશ દ્વારા પૂરી પાડવામાં આવતી હતી. એક મહિના કરતાં વધારે સમય વીત્યા છતાં કોઈ પણ પરિવારજન વૃધાની પાસે કે વૃદ્ધાને મુક્ત કરાવવા નહિ આવતા અને પાડોશીઓએ ૧૮૧ મહિલા હેલ્પલાઇન અભયમને જાણ કરી હતી. મહિલા હેલ્પલાઇન ૧૮૧ની ટીમે સ્થળ પર જઈ વૃદ્ધા વિશે વિગતો મેળવી તેના પરિવારજનોને તાળું ખોલવા બોલાવ્યા હતા. લાંબો સમય સુધી તાળું ખોલવા માટે કોઈ નહિ આવતા અંતે સક્ષમ અધિકારીની હાજરીમાં ઘરનું તાળું તોડી વૃદ્ધ મહિલાને ૧૮૧ અભયમ દ્વારા મુક્ત કરાવવામાં આવ્યા હતા. મળતી વિગતો અનુસાર વૃદ્ધાને આંખમાં ઓછું દેખાતું હતું. વૃદ્ધા ૧ મહિનો અને ૪ દિવસ જેટલા સમયથી ઘરમાં બંધ હોવાથી દૈનિક ક્રિયાઓ પણ ઘરમાં જ કરે તેવી સ્થિતિ નિર્માણ થઇ હતી. વૃદ્ધા ખૂબ જ ખરાબ સ્થિતિમાં ઘરમાં બંધ હતા. અંતે ૧૮૧ની ટીમે તેમને મુક્ત કરાવ્યા અને વૃદ્ધાના પરિવારજનોને બોલાવી ઘરની સાફસફાઈ કરવાનું જણાવી વૃદ્ધાની યોગ્ય રીતે સંભાળ રાખવા સમજાવ્યા હતા.