અમેરિકાથી એક અચરજ પમાડતો કિસ્સો સામે આવ્યો છે. એક નજરે તમને કદાચ વાત માન્યામાં ન આવે, પરંતુ આ સત્ય હકીકત છે. એક પરિવાર જયારે ઘરની બહાર ગયો હતો તે વખતે ઘરમાં ઘુસેલા એક અજાણ્યો વ્યકિત નહાયો, ખાવાનું ખાધું અને જયારે મકાન માલિક પરત આવ્યા ત્યારે 15,000 રૂપિયા ચૂકવીને ગયો. પરિવારને પહેલાં એમ લાગ્યું હતું કે ચોર ઘરમાં ઘુસી આવ્યો છે, પરંતુ વાત કઇંક અલગ જ હતી.
હકિકતમાં, અમેરિકાના ન્યૂ મેક્સિકોમાં આવેલા Santa Fe વિસ્તારમાં આવેલા એક ઘરમાં એક વ્યકિત બારીનો કાચ તોડીને ઘરમાં ઘુસ્યો હતો. તેના હાથમાં રાઇફલ હતી. જે વખતે તે ઘરમાં ઘુસ્યો હતો ત્યારે પરિવારના લોકો બહાર ગયા હતા. પરંતુ મકાન માલિક જયારે ઘરે પરત આવ્યા ત્યારે તે વ્યકિત ઘરમા જ હતો.
એક અહેવાલમાં મકાન માલિકનો હવાલો આપીને કહેવામાં આવ્યું છે કે એક વ્યકિત તેમના ઘરમાં રાઇફલથી બારીનો કોચ તોડીનો ઘરમાં ઘુસ્યો હતો. તે વખતે અમે ઘરમાં નહોતા. આ વ્યકિત અમારા ઘરમાં નહાયો, જમ્યો અને બિયરપીને સુઇ ગયો હતો. અમે જયારે ઘરે પાછા આવ્યા તો અજાણ્યા વ્યકિતને ઘરમાં રાઇફલ સાથે જોઇને અમારો હોંશ ઉડી ગયા હતા. પરંતુ તેણે અમને કોઇ નુકશાન પહોંચાડ્યું નહોતુ.
મકાન માલિકે કહ્યું હતું કે જે વ્યકિત અમને પહેલી નજરે લૂંટારું લાગતો હતો, તેણે અમારી સાથે ખુબ જ સભ્યતાથી વર્તન કર્યું હતું. સૌથી પહેલાં તેણે અમારી માફી માંગી અને 200 ડોલર ( અંદાજે 15,000 રૂપિયા) ચુક્વ્યા. તેણે કહ્યું કે તમારા ઘરની બારીના કાચ તોડવા બદલ દિલગીર છુ અને તેના વળતર પેટે આપને આ રકમ ચુકવું છું. આટલું કહીને તે ઘરમાં નિકળી ગયો હતો.
મકાન માલિકે કહ્યું કે જો કે જતા જતા આ વ્યકિતએ કહ્યું હતું કે તેના માતા-પિતાને ટેક્સાસમાં કોઇએ મોતને ઘાટ ઉતારી દીધા હતા અને તે લોકો તેની પાછળ પડ્યા હતા. ભાગતી વખતે તેની કાર અમારા ઘર પાસે બગડી ગઇ હતી, જેને કારણે આશરો લેવા માટે તે અમારા ઘરમાં ઘુસ્યો હતો. જો કે મકાન માલિકે કહ્યું કે આ વ્યકિતને કારણે અમે એટલાં ડરી ગયા હતા કે તેના ગયા પછી થોડા સમય પછી અમારો શ્વાસ હેઠો પડયો હતો.