- ગરબાડાના છરછોડામાં એક સાથે ત્રણ મકાનોમાં આગ લાગતા ઘરવખરીનો સામાન રાખ.
- આગને ઓલવવા માટે ફાયર ફાઈટર વિભાગની મદદ લેવાય.
- આગ લાગવાની ઘટનામાં સદનશીબે કોઈ પણ પ્રકારની જાન હાની ન સર્જાય.
દાહોદ,દાહોદ જીલ્લાના ગરબાડા તાલુકાના છરછોડા ગામે એકજ પરિવારના ત્રણ ભાઈઓના મકાનમાં આકસ્મિક આગ લાગતાં વિસ્તારમાં અફરા તફરીનો માહૌલ સર્જાઈ જવા પામ્યો હતો. ત્યારે ઘટનાની જાણ ફાયર ફાઈટરના લાશ્કરોને કરવામાં આવતાં ફાયર ફાઈટરના લાશ્કરોએ પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ત્રણેય મકાનોની આગમાં સંપુર્ણ ઘરવખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો ત્યારે અંદાજે લાખ્ખો રૂપીયાનું નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગરબાડા તાલુકાના છરછોડા ગામે પટેલ ફળિયામાં રહેતા બારીયા સુરેશભાઈ દલાભાઈના મકાનમાં ગતરોજ બપોરના સમયે આકસ્મિક આગ લાગી હતી. આગે જોતજોતામાં વિકરાણ રૂપ ધારણ કરતાં બાજુમાં રહેતાં તેમના બે ભાઈ નરેશભાઈ દલાભાઈ અને પરેશભાઈ દલાભાઈના મકાનોને પણ આગે પોતાની લપેટમાં લઈ લેતાં ત્રણેય ભાઈઓના મકાનો આગની અગન જ્વાળાઓમાં આવી ગયાં હતાં. ઘટનાની જાણ સ્થાનીક લોકો થતાં સ્થાનીક લોકોએ આગ ઉપર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવ્યો હતોથ પરંતુ આગ કાબુમાં ન આવતાં આ મામલે ફાયર ફાઈટરને જાણ કરવામાં આવતાં ફાયર ફાઈટરના લાશ્કરો પાણીના બંબા સાથે ઘટના સ્થળે દોડી ગયાં હતાં. ફાયર ફાઈટરના લાશ્કરોએ પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગની અગન જ્વાળાઓમાં ત્રમેય ભાઈનો મકાનો બળીને ખાખ થઈ જવા પામ્યાં હતા. ત્યારે જાણવા મળ્યાં અનુસાર, આગમાં અંદાજીત 9 લાખ 52 હજાર જેટલા રૂપિયાનું નુકસાન થવા પામ્યું હતું. અકસ્માતની જાણ સરપંચે તેમજ તલાટીને કરાતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને નુકશાનનો સર્વે કરી પંચાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.