
મુંબઇ,મનીષા કોઈરાલા તેની કારકિર્દીની શરૂઆતમાં જ અનેક ફિલ્મોમાં શાનદાર અભિનય કરીને દર્શકોના દિલો-દિમાગમાં છવાઈ ગઈ હતી. ’સૌદાગર’, ’૧૯૪૨: અ લવ સ્ટોરી’, ’અગ્નિસાક્ષી’, ’મન’ જેવી અનેક ફિલ્મોમાં મનીષાએ તેના અભિનયનો ઓજસ પાથર્યો હતો. બોલિવૂડની સાથે મનીષા સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ એક્ટિવ હતી અને તેણે સાઉથ ઈન્ડિયન સિનેમાની ’બોમ્બે’, ’ઈન્ડિયન’, ’મુધલવન’ જેવી અનેક ફિલ્મોમાં એક્ટિંગ કરી હતી પણ સાઉથની એક ફિલ્મની નિષ્ળતા મનીષાને ભારે પડી હતી અને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેને કામ મળવાનું બંધ થઈ ગયું હતું.
એક ઈન્ટરવ્યૂ દરમિયાન મનીષાએ ખુલાસો કર્યો છે કે, મને સાઉથની અનેક ફિલ્મો ઓફર થઈ રહી હતી. રજનીકાંત સાથેની ફિલ્મ ’બાબા’ ફ્લોપ થવા પર સાઉથમાં મારું કરિયર પૂરું થઈ ગયું હતું. ’બાબા’ લગભગ મારી લાસ્ટ તમિલ ફિલ્મ બની રહી હતી. ફિલ્મથી દરેકને ખૂબ જ આશાઓ હતી પણ તે બોક્સ ઓફિસ પર નિષ્ળ નીવડી હતી. મને ત્યાર પછી લાગ્યું કે, સાઉથમાં મારું કરિયર પૂરું થઈ ગયું છે. ફિલ્મ ફ્લોપ જવા પર અચાનક મને સાઉથ ફિલ્મની ઓફર મળવાની બંધ થઈ ગઈ હતી. સુરેશ ક્રિષ્નાના નિર્દેશનમાં ૨૦૦૨માં બનેલી ફિલ્મ ’બાબા’ને ૨૦ વર્ષે ફરી એકવાર રિલીઝ કરવામાં આવી હતી. મેગાસ્ટાર રજનીકાંતની બર્થડે પર ફિલ્મને ૨૦૨૨માં રિલીઝ કરવામાં આવતા ફિલ્મે સારું કલેક્શન મેળવ્યું હતું. કાર્તિક આર્યન સાથે ફિલ્મ ’શેહઝાદા’માં નજર આવેલી મનીષા આગામી સમયમાં સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ ’હીરામંડી’માં નજર આવવાની છે.