ઈડીએ સિસોદિયાની અરજીનો વિરોધ કર્યો,સિંઘવીએ વાંધો વ્યક્ત કર્યો

દિલ્હી દારૂ કૌભાંડ કેસના આરોપી દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. છેલ્લી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ઈડી અને સીબીઆઇને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો હતો. સિસોદિયાના વકીલે કોર્ટને કહ્યું હતું કે તેઓ છેલ્લા ૧૬ મહિનાથી જેલમાં છે અને ટ્રાયલ તે જ તબક્કામાં છે જે રીતે ઓક્ટોબર ૨૦૨૩માં હતી. ગત સુનાવણી દરમિયાન જસ્ટિસ સંજય કુમારે સુનાવણીમાંથી પોતાને અલગ કરી લીધા હતા. આ પછી સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની જામીનની સુનાવણી માટે જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ કેવી વિશ્ર્વનાથની બેંચ સમક્ષ કેસને લિસ્ટ કર્યો હતો.

ઈડીએ સિસોદિયાની અરજીનો વિરોધ કર્યો હતો. એક જ કેસમાં બે અરજીઓ દાખલ કરી શકાતી નથી. જસ્ટિસ વિશ્વનાથને કહ્યું કે આ આદેશમાં યોગ્યતા પર નિર્ણય ક્યાં છે? ઈડીએ કહ્યું કે હવે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. જસ્ટિસ ગવઈએ કહ્યું કે આ કોર્ટ દ્વારા ઓક્ટોબરમાં નક્કી કરવામાં આવેલી ૬-૮ મહિનાની મુદત પૂરી થઈ ગઈ છે.

એએસજી રાજુએ કહ્યું કે અમારો જવાબ તૈયાર છે, પરંતુ તેમાં કેટલાક પ્રાથમિક વાંધાઓ છે. તેણે સુધારવું પડશે. સુપ્રીમ કોર્ટના આદેશને પડકારતી સિસોદિયાની આ બીજી અરજી છે. સમાન હુકમને પડકારી શકાતો નથી. સિસોદિયાના વકીલ અભિષેક મનુ સિંઘવીએ છજીય્ના જવાબ સામે વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે તેમનો જવાબ ચોંકાવનારો છે. ઈડીએ કહ્યું કે અમે ગુરુવાર (૧ ઓગસ્ટ) સુધીમાં જવાબ દાખલ કરીશું. સુપ્રીમ કોર્ટ હવે આ કેસની સુનાવણી ૫ ઓગસ્ટે કરશે.

નોંધનીય છે કે દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ’કૌભાંડ’માં કથિત ભૂમિકા બદલ ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. સિસોદિયાએ ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ દિલ્હી કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું હતું.સીબીઆઇ અને ઈડીનો આરોપ છે કે દિલ્હી એક્સાઇઝ પોલિસીમાં સુધારો કરતી વખતે અનિયમિતતાઓ થઈ હતી. લાયસન્સ ધારકોને અનુચિત તરફેણ કરવામાં આવી હતી, લાયસન્સ ફી માફ કરવામાં આવી હતી અથવા ઘટાડવામાં આવી હતી અને સક્ષમ અધિકારીની મંજૂરી વિના લાઇસન્સ આપવામાં આવ્યા હતા.