ઇડી સમક્ષ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાજર થયા તેવી સંભાવના

નવીદિલ્હી, ત્રીજી વખત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને નોટિસ મોકલીને ૩ જાન્યુઆરીએ પૂછપરછ માટે બોલાવ્યા છે. પરંતુ શું અરવિંદ કેજરીવાલ આ તારીખે ઈડી સમક્ષ હાજર થશે? આ પ્રશ્નના જવાબમાં આમ આદમી પાર્ટીના પ્રવક્તા પ્રિયંકા કક્કરે કહ્યું છે કે તેમની પાર્ટીની કાનૂની ટીમ આ પ્રશ્નનો વધુ સારી રીતે જવાબ આપવાની તૈયારી કરી રહી છે. તેમણે કહ્યું કે અમે કાયદા પ્રમાણે જ કરીશું.

આ પહેલા ઈડીએ અરવિંદ કેજરીવાલને ૨ નવેમ્બર અને ૨૧ ડિસેમ્બરે હાજર થવા નોટિસ આપી હતી. પરંતુ બંને તારીખે અરવિંદ કેજરીવાલે ઈડી સમક્ષ હાજર થવાનો ઇન્કાર કરી દીધો હતો. પહેલી નોટિસ ત્યારે આવી જ્યારે તેણે કહ્યું હતું કે તેણે વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે જવું છે અને બીજી નોટિસ ત્યારે આવી જ્યારે તે પહેલેથી જ વિપશ્યના માટે જવાનો હતો.

બંને તારીખે હાજર ન થયા બાદ હવે ઈડીએ તેમને ૩ જાન્યુઆરીએ બોલાવ્યા છે. અરવિંદ કેજરીવાલ વિપશ્યનાથી પરત ફર્યા છે. આવી સ્થિતિમાં, આમ આદમી પાર્ટીના મુખ્ય રાષ્ટ્રીય પ્રવક્તા પ્રિયંકા કક્કરે મંગળવારે પત્રકાર પરિષદમાં પત્રકારોના પ્રશ્ર્નોના જવાબ આપતા કહ્યું કે અમારી પાર્ટી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના સમન્સ પર કાયદા મુજબ કાર્યવાહી કરશે. આ સાથે તેમણે કેન્દ્ર સરકારની નીતિઓ પર પણ આકરા પ્રહારો કર્યા હતા.

અરવિંદ કેજરીવાલે પોતે અને આમ આદમી પાર્ટીના નેતાઓએ એક અવાજે કહ્યું છે કે ઈડીની નોટિસ રાજકીય રીતે પ્રેરિત છે. તેમણે કહ્યું હતું કે ઈડી નોટિસ સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. અગાઉની નોટિસ મળ્યા બાદ અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે તેમણે ED ને ઘણા પ્રશ્ર્નો પણ પૂછ્યા હતા. પરંતુ તેને કોઈ જવાબ ન મળતા તેને ફરીથી નોટિસ મોકલવામાં આવી હતી.તેમણે જવાબ આપ્યો હતો કે મનીષ સિસોદિયા અને સંજય સિંહની જે રીતે ધરપકડ કરવામાં આવી હતી તે જ રીતે તેની ધરપકડ કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.

અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે ઈડીએ સ્પષ્ટતા કરી નથી કે તેમને શા માટે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. અરવિંદ કેજરીવાલે પૂછ્યું હતું કે ED એ તેમને કયા કેસમાં અને શા માટે બોલાવ્યા છે તેના વિશે કંઈ જ કહેવામાં આવ્યું નથી.દરમિયાન, આમ આદમી પાર્ટીના નેતાઓ અને દિલ્હી સરકારના મંત્રીઓએ રાજધાનીમાં ડોર ટુ ડોર જાહેર સંચાર અભિયાન શરૂ કર્યું છે.આપઁના નેતાઓ ઘરે ઘરે જઈને ઈડી સમન્સને લઈને ઓપિનિયન પોલ લઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીના નેતાઓનું કહેવું છે કે દિલ્હીના મોટાભાગના લોકો અરવિંદ કેજરીવાલની સાથે છે.