ઈડી રોઝ વેલી કૌભાંડના લગભગ ૧૨ કરોડ રૂપિયા જે લોકોની પાસેથી જમા કરાવ્યા હતા તેમને પરત કરશે

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) હવે પીડિતોને વિવિધ કૌભાંડો સામે તપાસ અને કાર્યવાહી દરમિયાન જપ્ત કરાયેલ નાણાં પરત કરશે. આ માટે એજન્સીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ પૈસા આરોપી કંપનીઓ દ્વારા ચિટ ફંડ અને અન્ય સમાન યોજનાઓમાં જનતા પાસેથી એકત્ર કરવામાં આવ્યા હતા. હાલમાં ઈડી ૨૨ લાખ પીડિતોને લગભગ ૧૨ કરોડ રૂપિયા પરત કરશે. જેના કારણે તેમના ચહેરા પર ખુશી જોવા મળી હતી. આ નાણાં ૨૦૧૩માં કોલકાતા રોઝ વેલીમાં બહુચચત નાણાકીય કૌભાંડમાં એકત્રિત કરવામાં આવ્યા હતા. આ પૈસા રોઝ વેલી ગ્રુપની કંપનીઓમાં જમા કરાવવામાં આવ્યા હતા.

રોઝ વેલી ગ્રુપની કંપનીઓએ નાના રોકાણકારો પાસેથી પૈસા લઈને તેમની કંપનીઓના ખાતામાં જમા કરાવ્યા હતા. જૂથે રોકાણકારોને વ્યાજ સાથે જંગી વળતર આપવાનું વચન આપ્યું હતું, જો કે જૂથે એક પણ રૂપિયો પરત કર્યો ન હતો. કોલકાતાની વિશેષ પીએમએલએ કોર્ટે ૨૪ જુલાઈના રોજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને રોઝ વેલી કૌભાંડના લગભગ ૧૨ કરોડ રૂપિયા જે લોકોની પાસેથી જમા કરાવ્યા હતા તેમને પરત કરવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટ દ્વારા દેખરેખ રાખતી એસેટ ડિસ્પોઝલ કમિટી જપ્ત કરાયેલી ૧૪ એફડીમાં આ નાણાં પરત કરશે. કોર્ટે કહ્યું છે કે રકમ વાસ્તવિક દાવેદારને પ્રમાણસર અથવા એડીસી અથવા કોર્ટના આદેશ અનુસાર વહેંચવામાં આવે.

તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ જનતાને વચન આપ્યું હતું કે તેમની સરકાર જનતા પાસેથી છેતરપિંડી કરીને લીધેલા પૈસા કાયદાકીય માયમથી પરત કરશે. વડા પ્રધાનના આ વચન હેઠળ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ કૌભાંડનો ભોગ બનેલા નાના રોકાણકારોના નાણાં પરત કરવાની પ્રક્રિયા શરૂ કરી રહ્યું છે.

કોલકાતા કોર્ટ અને ઈડીએ પીએમએલએની કલમ ૮(૮) માં એક નવો રસ્તો કાઢ્યો છે, જે હેઠળ ઈડી દ્વારા જપ્ત કરવામાં આવેલી મિલક્ત કાયદેસર રીતે દાવેદારને પાછી આપી શકાય છે. આ એવા દાવેદારો છે જેમને મની લોન્ડરિંગના ગુનાના પરિણામે નુક્સાન થયું છે.