ઇડીની કાર્યવાહી, ઓડિશામાં ૨૧ કરોડની સંપત્તિ જપ્ત

શિમલા, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મેસર્સ ઈન્ડિયન ટેક્નોમેક કંપની લિમિટેડ(આઇટીસીઓએલ) અને અન્યો વતી બેંક ફ્રોડ કેસમાં મોટી કાર્યવાહી કરી છે. ઈડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ ૨૦૦૨ની જોગવાઈઓ હેઠળ રૂ. ૨૧.૧૫ કરોડની કિંમતની ૧૮ મિલક્તો અસ્થાયી રૂપે જપ્ત કરી છે. તેમાં ઓડિશાના બાબલમાં ૭ પ્લોટ અને ફ્લેટ , ખોરધામાં ૬ પ્લોટ અને કટકમાં ૧ રહેણાંક ફ્લેટ અને ભુવનેશ્ર્વરમાં ૪ અન્ય મિલક્તોનો સમાવેશ થાય છે.

આ તમામ મિલક્તો મેસર્સ અનમોલ લિમિટેડની છે. હિમાચલ સીઆઇડીએ મેસર્સ આઇટીસીઓએલ અને તેના પ્રમોટરો વિરુદ્ધ કેસ નોંધ્યો છે. તેના આધારે ઈડી કાર્યવાહી કરી રહી છે. એવો આરોપ છે કે મેસર્સ આઇટીસીઓએલ ના ડિરેક્ટર, વિવિધ સરકારી કર્મચારીઓ, કંપનીઓ અને સીએ સાથે મળીને બેંકોમાંથી લોનની ઉચાપત કરી હતી.

ઈડીની તપાસમાં બહાર આવ્યું છે કે મેસર્સ આઇટીસીઓએલએ બેંક ઓફ ઈન્ડિયાની આગેવાની હેઠળની બેંકોના કન્સોર્ટિયમ પાસેથી વર્ષ ૨૦૦૯ થી ૨૦૧૩ સુધી બેંક અધિકારીઓને નકલી વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ સબમિટ કરીને અને શેલ કંપનીઓના નામે નકલી વેચાણ બતાવીને લોન મેળવી હતી. જેના માટે લોન લેવામાં આવી હતી તેનો તે હેતુ માટે ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. આવી સ્થિતિમાં તપાસમાં મળેલા પુરાવાના આધારે ઈડીએ આ કાર્યવાહી કરી છે. ઈડીએ તેની તપાસના ભાગરૂપે અત્યાર સુધીમાં રૂ. ૩૧૦.૦૬ કરોડની સંપત્તિ જપ્ત કરી છે.