નવીદિલ્હી,
દિલ્હી લિકર પોલિસી કૌભાંડ હવે તેલંગાણા સુધી પહોંચી ગયો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં ઉદ્યોગપતિ અમિત અરોરાના રિમાન્ડ રિપોર્ટમાં તેલંગાણાના મુખ્યમંત્રી કેસીઆરની પુત્રી કે. કવિતાનું નામ સામે આવ્યું છે. સાઉથ ગ્રૂપના સભ્યોમાંથી એક તરીકે કવિતાનું નામ રિપોર્ટમાં સામે આવ્યું છે.
ઈડીના રિમાન્ડ મુજબ દારૂ કૌભાંડના આરોપી અમિત અરોરાએ પોતાના નિવેદનોમાં ટીઆરએસ એમએલસી કે. કવિતાના નામનો ખુલાસો કર્યો છે. સાઉથ ગ્રૂપના એક સભ્યના રૂમમાં કવિતાનું નામ આવ્યું છે જેમણે અન્ય એક બિઝનેસમેન મારફતે દિલ્હીમાં આમ આદમી પાર્ટીના નેતાઓને ૧૦૦ કરોડ રૂપિયાની લાંચ આપી હતી. જો કે ઈડીના આ રિપોર્ટમાં કવિતાનું નામ સામે આવ્યું ત્યારથી ટીઆરએસ તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા નથી આવી.
આ પહેલા તેલંગાણા બીજેપીના પ્રદેશ અધ્યક્ષ બંદી સંજય કુમારે સપ્ટેમ્બર મહિનામાં આરોપ લગાવ્યો હતો કે, મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ અને તેમનો પરિવાર પણ દિલ્હીના દારૂ કૌભાંડમાં સામેલ છે. બીજી તરફ ઓગસ્ટમાં દિલ્હીના બીજેપી સાંસદ પરવેશ વર્મા અને પૂર્વ ધારાસભ્ય મનજિંદર સિંહ સિરસાએ પણ કવિતાને કૌભાંડ સાથે જોડીને આરોપ લગાવ્યો હતો.
કવિતા દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસ પર હૈદરાબાદની સિટી સિવિલ કોર્ટે વચગાળાના આદેશમાં ભાજપના નેતાઓને કવિતા વિરુદ્ધ કોઈપણ બદનક્ષીભર્યા નિવેદનો ન કરવા નિર્દેશ આપ્યો હતો. કવિતાએ તે સમયે તેના પર લાગેલા તમામ આરોપોને ફગાવી દીધા હતા. કવિતાએ કહ્યું હતું કે, એજન્સીઓ ભાજપ સરકારના હાથમાં છે તે જે પણ તપાસ કરવા માંગે તે કરી શકે છે તેમાં તે સંપૂર્ણ સહયોગ કરશે. કવિતાએ દાવો કર્યો હતો કે, ભાજપ સરકાર ખોટા આરોપો લગાવીને મુખ્યમંત્રી કેસીઆરના પરિવારની પ્રતિષ્ઠાને કલંક્તિ કરવાનો પ્રયાસ કરી રહી છે.
આ ઉપરાંત ઈડીએ તેના રિપોર્ટમાં એવો પણ દાવો કર્યો છે કે, દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને સીએમ અરવિંદ કેજરીવાલના પીએ સહિત ઓછામાં ઓછા ૩૬ આરોપીઓએ કથિત દારૂ કૌભાંડમાં હજારો કરોડની લાંચના પુરાવાનો નાશ કરવા માટે ૧૭૦ ફોન નષ્ટ કર્યા છે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ ૪ લોકોની ધરપકડ થઈ ચૂકી છે. આમાં સીબીઆઇએ આપ કાર્યકર અને મીડિયા કંપનીના ભૂતપૂર્વ સીઇઓ વિજય નાયરનું નામ પણ સામેલ કર્યું છે.