ઈડીએ વધુ એક છેતરપિંડી કેસમાં સુકેશ ચંદ્રશેખરની કરી ધરપકડ

નવીદિલ્હી,

ઈડીએ આજે છેતરપિંડી કરનાર સુકેશને પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કર્યો હતો. પટિયાલા હાઉસ કોર્ટે સુકેશ ચંદ્રશેખરને ૯ દિવસના ED ના રિમાન્ડ પર મોકલી દીધો છે. ED એ એક નવા કેસમાં સુકેશ ચંદ્રશેખરની ધરપકડ કરી છે. આ મામલો રેલિગેર એન્ટરપ્રાઇઝ લિમિટેડના પૂર્વ પ્રમોટર માલવિંદર સિંહની પત્ની પાસેથી ૩.૫ કરોડ રૂપિયાની છેતરપિંડી સાથે સંબંધિત છે.

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સુકેશને નવ દિવસ માટે ED કસ્ટડીમાં મોકલી દીધો હતો. એડિશનલ સેશન્સ જજ શૈલેન્દ્ર મલિકે સુકેશને દરરોજ ૧૫ મિનિટ સુધી તેના વકીલને મળવાની મંજૂરી આપી હતી. ED એ ગુનામાં સંડોવાયેલા વ્યક્તિઓ વિશે જાણવા માટે સુકેશના ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.

૨૦૦ કરોડના કૌભાંડ કેસમાં સુકેશ પહેલાથી જ ન્યાયિક કસ્ટડીમાં છે. તેણે ફોટસ હેલ્થકેરના પૂર્વ પ્રમોટર શિવિન્દર મોહન સિંહની પત્ની અદિતિ સિંહ સાથે છેતરપિંડી કરી હતી. ED એ ૨૦૨૧ના આ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝ અને નોરા ફતેહી સહિત અનેક બોલિવૂડ અભિનેત્રીઓ અને મોડલની ચંદ્રશેખર સાથેના કથિત સંબંધો અંગે પૂછપરછ કરી છે.