નવીદિલ્હી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ફરી એકવાર ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને પૂછપરછ માટે બોલાવ્યા છે. ૨૦ જાન્યુઆરીએ મુખ્યમંત્રીની પ્રથમ રાઉન્ડની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. હવે ઈડીએ તેમને ૨૭-૩૧ જાન્યુઆરીની તારીખ આપી છે અને મુખ્યમંત્રી તેમની મરજી મુજબ તારીખ નક્કી કરી શકે છે. આ પહેલા સીએમને ૮ સમન્સ મોકલવામાં આવ્યા હતા પરંતુ ખુદ EDની ટીમ તેમની પૂછપરછ કરવા આવી હતી.
ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની રાંચીના બગડઈ વિસ્તારની જમીન સંબંધિત દસ્તાવેજોમાં છેડછાડ અંગેની તપાસનું નિવેદન નોંધવા ઈડી ઓફિસરો મુખ્યમંત્રી આવાસે પહોંચ્યા છે. રાજ્યમાં કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે ઈડી ઓફિસથી લઈને અધિકારીઓની સુરક્ષાની પૂર્ણ તૈયારીઓ કરી લેવાઈ છે. ઈડી ઓફિસથી લઈને મુખ્યમંત્રી આવાસ સુધી બહાર સુરક્ષા વ્યવસ્થામાં ૯૦૦ પોલીસ અધિકારીઓ તૈનાત કરાયા છે. જણાવી દઈએ કે હેમંત સોરેને ઈડીના ૮મા સમન્સ પર પૂછપરછ માટે ૨૦ તારીખે બપોરે ૧૨ વાગ્યાનો સમય આપ્યો હતો.
જણાવી દઈએ કે ઈડી રાંચીના બડગઈ વિસ્તારની જમીન સાથે સંબંધિત સરકારી દસ્તાવેજોમાં છેડછાડ કરવાની ઘટનાની તપાસના સંબંધમાં હેમંત સોરેનનું નિવેદન નોંધવા માંગે છે. આ કેસમાં ઇડી આઇએએસ છવી રંજન સહિત દોઢ ડઝન લોકોની ધરપકડ કરી ચૂકી છે. હવે તે હેમંત સોરેનને આ ઘટનામાં તેમની ભૂમિકા અંગે ઘણા મુદ્દાઓ પર પૂછપરછ કરવા માંગે છે.
ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને પત્ર મોકલીને તપાસ એજન્સી ઈડીના આઠમા સમન્સનો જવાબ આપ્યો હતો. મુખ્યમંત્રીએ ઈડીની ટીમને રાંચી બોલાવી છે. સુત્રો અનુસાર, મુખ્યમંત્રીએ પત્રના માધ્યમથી તપાસ એજન્સીને કહ્યું છે કે તમે ૨૦ જાન્યુઆરીએ મુખ્યમંત્રી હાઉસ આવીને પૂછપરછ કરી લો. ઈડીએ ૧૩ જાન્યુઆરીએ હેમંત સોરેનને લખેલા પત્રમાં કહ્યું હતું કે જો ૧૬થી ૨૦ જાન્યુઆરી વચ્ચે તે એજન્સી સામે હાજર નથી થતા તો તેમણે તેમની પાસે આવવું પડશે. EDએ કહ્યું છે કે આવી સ્થિતિમાં કાયદો અને વ્યવસ્થાને લઈને પડકારો ઉભા થઈ શકે છે. આ તમારી જવાબદારી રહેશે અને તેથી તમારે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે રાજ્યના મુખ્ય સચિવ અને ડીજીપીને યોગ્ય સૂચના આપવી જોઈએ.
ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને ઈડી આઠ વખત સમન્સ પાઠવી ચુક્યુ છે. મંત સોરેનને ED એ પ્રથમ વખત ૧૪ ઓગસ્ટ ૨૦૨૩માં હાજર થવા માટે સમન્સ મોકલ્યું હતું. તે બાદ ૨૪ ઓગસ્ટ, ૯ સપ્ટેમ્બર, ૨૩ સપ્ટેમ્બર, ૪ ઓક્ટોબર, ૧૨ ડિસેમ્બર અને ૩૦ ડિસેમ્બરથી ૫ જાન્યુઆરી ૨૦૨૪ વચ્ચે હાજર થવા માટે સમન્સ મોકલવામાં આવ્યું હતું. ઈડીનું કહેવું છે કે વારંવાર મોકલવામાં આવી રહેલા સમન્સ છતાં હેમંત સોરેન હાજર ના થતા તપાસમાં અવરોધ ઉભો થઇ રહ્યો છે.