ઈડીએ બિઝનેસમેનને આખી રાત જગાડીને નિવેદન લીધુ, સુપ્રીમ કોર્ટે જવાબ માંગ્યો

  • વેપારી રામ કોટુમલ ઈસરાનીએ દાખલ કરેલી એક અરજીમાં બેંક ફ્રોડ મામલે પોતાની ધરપકડને પડકારી છે.

નવીદિલ્હી, શું ઈડી કોઈ આરોપીને આખી રાત જગાડીને તેનું નિવેદન લઈ શકે ખરી? શું કોઈ વ્યક્તિને તપાસ એજન્સી તરફથી અટકાયતમાં લેવા/ તેના પર પ્રતિબંધ લગાવવાના સમયથી જ તેની ધરપકડ ન માનવી જોઈએ! સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલી એક અરજીમાં આ સવાલ ઉઠાવવામાં આવ્યો છે. વેપારી રામ કોટુમલ ઈસરાનીએ દાખલ કરેલી એક અરજીમાં બેંક ફ્રોડ મામલે પોતાની ધરપકડને પડકારી છે. કોર્ટે આ અરજી પર ઈડી પાસે જવાબ માંગ્યો છે. આ સાથે જ કોર્ટે અરર્જીક્તાઓને છૂટ આપી છે કે તેઓ ઈચ્છે તો જામીન માટે વેકેશન બેન્ચ સામે કેસ રજૂ કરી શકે છે.

અરર્જીક્તા રામ અસરાનીએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં કહ્યું છે કે ગત વર્ષ ૭ ઓગસ્ટના રોજ ઈડીના સમનને પગલે તાબડતોબ તેઓ સવારે ૧૦.૩૦ વાગે ઈડીની ઓફિસ પહોંચ્યા. જેવા ઓફિસ પહોંચ્યા કે તેમનો મોબાઈલ તેમની પાસેથી લઈ લેવાયો અને તેમની ઓફિસથી બહાર જવા પર પ્રતિબંધ લાગ્યો. તેઓ ઈડીના ઓફિસરોથી ઘેરાયેલા રહ્યા અને તેમને કોઈની પણ સાથે વાત કરવાની મંજૂરી નહતી. એટલે સુધી કે બાથરૂમ જવા માટે પણ એકલા જવાની મંજૂરી નહતી, ઈડીનો એક અધિકારી તેમની સાથે હતો. એટલું જ નહીં ૭ ઓગસ્ટના રોજ આખી રાત તેમને જગાડીને રાતે ૧૦ વાગ્યાથી સવારે ૩ વાગ્યા સુધી તેમનું નિવેદન લેવાયું. ત્યારબાદ ઈડીએ ૮ ઓગસ્ટના રોજ સવારે સાડા પાંચ વાગ્યે તેમની ધરપકડ થઈ તેવું દેખાડ્યું. તે દિવસે સાંજે ૫ વાગે મુંબઈમાં સ્પેશિયલ કોર્ટ (પીએમએલએ) સામે તેમને રજૂ કરાયા હતા.

અરજીમાં કહેવાયું છે કે રામ ઈસરાની શારીરિક રીતે ફીટ નથી. આમ છતાં ૬૪ વર્ષની ઉંમરે તેમણે આખી રાત જાગતા રહેવું પડ્યું અને ૭ ઓગસ્ટની સવારે સાડા દસ વાગ્યાથી સતત ૨૦ કલાક જાગતા રહ્યા. જો કે આ પહેલા પણ ત્રણવાર તેઓ ઈડીની સામે હાજર થઈને પોતાનું નિવેદન નોંધાવી ચૂક્યા છે. પરંતુ ઈડીએ આખી રાત તેમની પૂછપરછ કરી.

મામલો હાઈકોર્ટમાં ગયો તો બોમ્બે હાઈકોર્ટે પોતાના આદેશમાં સ્વીકાર્યું કે સૂવાનો અધિકાર જીવનના અધિકારોનો જ એક ભાગ છે. ઈડીએ આ કેસમાં અરર્જીક્તાના આ અધિકારનું હનન કર્યું છે. જો કે આમ છતાં બોમ્બે હાઈકોર્ટે ધરપકડને રદ કરી નહીં. જેના કારણે અરર્જીક્તાએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવવા પડ્યા.

સુપ્રીમ કોર્ટ આ મામલે નક્કી કરશે કે કોઈ વ્યક્તિની ધરપકડનો યોગ્ય સમય કયો માનવામાં આવે. તે સમય કે જ્યારથી તેની અટકાયત કરીને પ્રતિબંધો લગાવવામાં આવ્યા કે પછી ત્યારે કે જ્યારે તપાસ એજન્સીએ પોતાના અરેસ્ટ મેમોમાં તેની ધરપકડ દેખાડી. તેને લઈને અલગ અલગ હાઈકોર્ટના અલગ અલગ ચુકાદા છે. આ કેસમાં અરર્જીક્તાનું કહેવું છે કે ૭ ઓગસ્ટના રોજ સવારે સાડા દસ વાગે ઈડીની ઓફિસમાં પહોંચતા જ જેવા પ્રતિબંધો લગાવવામાં આવ્યા તે સમય તેની ધરપકડનો સમય ગણવો જોઈએ. જ્યારે ઈડી તરફથી દાખલ રિમાન્ડ અરજીમાં ધરપકડનો સમય સવારે સાડા ૫ વાગ્યાનો દેખાડવામાં આવ્યો છે. અરર્જીક્તાના જણાવ્યાં મુજબ તે રીતે સાંજે ૫ વાગે કોર્ટમાં તેમને રજૂ ક રાયા છે (ધરપકડ બાદ ૨૪ કલાકમાં હાજર કરવાના નિર્ધારિત સમય બાદ). જે બંધારણની કલમ ૨૨(૨) હેઠળ મૂળ અધિકારનો ભંગ છે.