
રાંચી, હાઈકોર્ટે ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અને જેએમએમ નેતા હેમંત સોરેન દ્વારા ઈડીની કાર્યવાહી અને તેમની ધરપકડ સામે દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી પૂર્ણ કરી છે. હાઈકોર્ટે આ મામલે પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે.
આ પહેલા હેમંત સોરેને પણ ઝારખંડ વિધાનસભાના બજેટ સત્રમાં હાજરી આપવાની પરવાનગી માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ અંગે હાઈકોર્ટે પણ પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે. પીએમએલએ કોર્ટે તેમની અરજી ફગાવી દીધા બાદ સોરેન હાઈકોર્ટમાં ગયા હતા.સોરેનને તેની ૧૩ દિવસની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની કસ્ટડી પૂરી થયા બાદ ૧૫ ફેબ્રુઆરીએ બિરસા મુંડા સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યો હતો. કોર્ટે અગાઉ સોરેનને ૫ ફેબ્રુઆરીએ વિધાનસભામાં વિશ્ર્વાસ મતમાં ભાગ લેવાની મંજૂરી આપી હતી.
તમને જણાવી દઈએ કે ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનને ગુરુવારે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. સ્પેશિયલ પીએમએલએ કોર્ટે કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં આ ચુકાદો આપ્યો હતો. સત્તાધારી ઝારખંડ મુક્તિ મોરચાના કાર્યકારી પ્રમુખ ઈડીની કસ્ટડીમાં હતા.
પૂર્વ મુખ્યમંત્રી વતી હાજર રહેલા એડવોકેટ જનરલ રાજીવ રંજને કહ્યું હતું કે હેમંત સોરેનને આજે વિશેષ પીએમએલએ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને તેમને ૨૨ ફેબ્રુઆરી સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. અમે તેના માટે જામીન અરજી દાખલ કરીશું.
સોરેનને કોર્ટમાંથી રાંચીના હોટવાર સ્થિત બિરસા મુંડા સેન્ટ્રલ જેલમાં લઈ જવામાં આવ્યા હતા. ૩૧ જાન્યુઆરીએ ઈડી દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. આ પછી, ૨ ફેબ્રુઆરીએ, કોર્ટે સોરેનને પાંચ દિવસ માટે ઈડી કસ્ટડીમાં મોકલી દીધો. ત્યારપછી અટકાયતનો સમયગાળો કુલ સાત દિવસ માટે બે વખત લંબાવવામાં આવ્યો છે.